ગાંધીનગર

રાજ્યમાં વધતા જતાં કોરોનાના કેરને નાથવા માટે વહીવટી તંત્ર વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગાંધીનગરના કોલવડા ખાતેની આયુર્વેદ હોસ્પિટલમાં ઓક્સિજન ઉભો કરવાનું આયોજન કરાયું છે. આ પ્લાન્ટની ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા પ્રતિદિન ૪૦૦ ક્યુબિક મિટરની રહેશે. આ પ્લાન્ટ આગામી બે ત્રણ દિવસમાં શરૂ થઈ જશે તેવી સંભાવના છે.

ગુજરાતમાં કોરોનાની મહામારીની બીજી લહેરે ભારે તરખાટ મચાવ્યો છે. રાજ્યમાં રોજે રોજ કોરોનાના નવા કેસોની સંખ્યા અને મૃત્યુઆંક નવા વિક્રમો સર્જી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ઓક્સિજનના બાટલા, દર્દીઓ માટે ખાટલા અને મૃતદેહોની અંતિમ વિધિ માટે લાકડાંની તંગી વર્તાઈ રહી છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગી પડતી હોવાની વિગતો બહાર આવી રહી છે. જેના કારણે કેટલાક દર્દીઓના ઓક્સિજનના અભાવે મૃત્યુ થતાં હોવાની પણ ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કેટલીક હોસ્પિટલોમાં નવા ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જેના અંતર્ગત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાનું આયોજન કરાયું છે. સરકાર દ્વારા ગાંધીનગરના કોલવડા ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલમાં આ ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોલવડા ખાતેની આયુર્વેદ હોસ્પિટલમાં ઉભો કરવામાં આવનાર આ ઓક્સિજનના બે પ્લાન્ટ ઉભા કરશે. આ બે પીએસએ ઓક્સિજન પ્લાન્ટમાં એક મિનિટમાં ૨૮૦ લીટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. એટલે કે, કોલવડા ખાતેના પ્લાન્ટમાં એક દિવસમાં ૪૦૦ ક્યુબિક મીટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. રોજના ૬૫થી ૭૦ જમ્બો સિલિન્ડર ભરાય તેટલી આ પ્લાન્ટની ક્ષમતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓક્સિજનના પણ સો બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સારવાર માટે ઓક્સિજનનો પૂરતો પૂરવઠો મળી રહે તે માટે સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના કોલવડા આયુર્વેદ હોસ્પિટલ ખાતે આ પ્લાન્ટ ઉભો કરવા માટે ઓક્સિજન પ્લાન્ટને લગતી તમામ મશીનરીઓ આજે આવી પહોંચી હતી, અને સંભવતઃ આગામી બે-ત્રણ દિવસમાં આ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.