અમદાવાદ-

બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરમાં દિવસે-દિવસે ગુનાખોરી પ્રવૃત્તિઓ વધતી જઇ રહી છે. તો અસામાજિક તત્વો પણ બેફામ બની રહ્યા છે. શહેરમાં ચોરી-લૂંટના બનાવો પણ વધી રહ્યા છે. પાલનપુરના સિમલાગેટ પાસે મોબાઇલ ચોરી કરીને ભાગતા ૨ શખ્સો લોકોના હાથમાં આવી ગયા હતા. આ બંને ચોરોને લોકોએ ત્યારાબદ બરાબરનો મેથીપાક ચખાડ્યો. આ ઘટના બનતા જ ત્યાં લોકોની ભારે ભીડ જામી હતી અને ટ્રાફિકજામ થયો હતો. ઘટનાસ્થળની બાજુમાં જ સિમલાગેટ પોલીસ ચોકી બાજુમાં આવેલી છે.

તેમ છતા પણ બંને ચોરો ભાગવામાં સફળ થયા હતા. પોલીસ પણ ત્યાં હોવાથી ચોર ભાગવામાં સફળ રહ્યા તેને લઇને લોકો ઘણા જ નારાજ જાેવા મળી રહ્યા છે. આ ઘટનાને લઇને લોકોએ પોલીસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ચોરો બેફામ બન્યા હોવાના કારણે લોકોમાં પણ ઘણી નારાજગી છે.

તો આ પહેલા પાલનપુર-ડીસા હાઇવે ઉપર ચડોતર નજીક મંગળવારે મધરાત્રે કારમાં આવેલા શખ્સોએ ટ્રકને આંતરી તેના ચાલકનું અપહરણ કરી ટ્રકની લૂંટ ચલાવી હતી. તેમણે અપહરણ કરી ડ્રકચાલક પાસેથી રૂપિયા ૪૦૦૦નો મોબાઈલ ફોન, રૂપિયા ૫૦૦ રોકડા તેમજ રૂપિયા ૧૦,૦૦,૦૦૦ની ટ્રકની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.