ગાંધીનગર ગુજરાતના બહુચર્ચિત એવા ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્ક વર્ગ-૩ના પેપર લીક પ્રકરણમાં પોલીસ દ્વારા આજે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. એટલે કે છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરાઈ હોવાનું ગાંધીનગર રેન્જ આઈજી ચુડાસમાએ જણાવ્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત રવિવારે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક પ્રકરણ અંગે ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ આજે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડક્લાર્કનું પેપર લીક થયું હતું. તેમજ કિશોર આચાર્યએ ૯ લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું. અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, દેવલ પટેલ પણ ત્યાં જ નોકરી કરે છે. પેપરને પ્રેસમાં ખાનગી રીતે કાઢીને આરોપી મંગેશને આપ્યું હતું. પોલીસ દ્વારા મંગેશ પાસેથી સાત લાખ રૂપિયા કબ્જે કર્યા છે. આખી લિંક પ્રિન્ટીંગ પ્રેસ પાસે મળે છે. કિશોર આચાર્યએ નવ લાખ રૂપિયામાં પેપર મંગેશને વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી છે. કિશોર આચાર્ય મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે, અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે જેની આજે ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ? તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે પોલીસે અમદાવાદના સિંગરવાથી દિપક નામનાં વ્યક્તિની અટકાયત કરી છે. હાલમાં દિપકની પૂછપરછ ચાલી રહી છે. વીડિયો ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ગઈકાલે બે આરોપીને ઝડપી લઇ ૨૩ લાખ રૂપિયા જેટલી માતબર રકમ જપ્ત કરી હતી. નોંધનીય છે કે, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક પ્રકરણમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ગત શુક્રવારે અનેક વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી હતી. જેના અંતર્ગત પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં ૧૧ આરોપીઓને ઝડપી લીધા છે. એટલું જ નહિ, પોલીસ દ્વારા ૨૩ લાખ રૂપિયા જેવી માતબર રોકડ રકમ પણ પોલીસ દ્વારા જપ્ત કરવમ આવી છે.

પ્રાંતિજ કોર્ટે ૮ આરોપીના ૯ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમજ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. હાલમાં ૧૧ આરોપી પૈકી ૮ આરોપીની ધરપકડ થઈ ચૂકીછે. જેમને પ્રાંતિજ કોર્ટમાં મોકલી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવશે. પોલીસ હજુ મુખ્ય આરોપીઓને શોધી રહી છે, ત્યાર બાદ પેપર ક્યાંથી લેવામાં આવ્યું, આમાં હજુ વધુ કેટલા લોકો સામેલ છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત આ મામલે કોઈ સરકારી કર્મચારી, કોઈ રાજકીય વ્યક્તિઓ સંડોવાયેલી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. એવામાં બાકીના આરોપીઓની પકડાયા બાદ જ વધુ યોગ્ય કડી મળશે એવું પોલીસ માની રહી છે, તો આ ઉપરાંત વધુ મુદ્દામાલ પણ મળી શકે એવી શક્યતા છે.પેપરલીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને, એને ૧૦થી ૧૫ લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી, એમ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

પેપર લીક કૌભાંડમાં ઝડપાયેલા માત્ર નાની માછલીઓ,

મોટા મગરમચ્છ પકડાતા જ નથી રઘુ શર્મા

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ જુદા જુદા પદાધિકારીઓ સાથે અમદાવાદ ખાતે સર્કિટ હાઉસમાં બેઠક આયોજીત કરી રહ્યા હતા. હેડ કલાર્ક પરીક્ષાનું પેપર લીક થવા અંગે રઘુ શર્માએ આકરી પ્રતિક્રિયા આપી હતી. રઘુ શર્માએ કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ અમદાવાદના મેયર હતા. પેપર લીક થવા અંગે અસિત વોરાએ કહ્યું કે પેપર લીક નથી થયું. પેપર લીક થવા અંગે બીજા જ દિવસે ગૃહમંત્રીએ સ્વીકાર્યું અને કેટલાક આરોપીઓ ઝડપવામાં આવ્યા છે. જે તમામ આરોપીઓ પકડાયા છે એ તો તમામ નાની માછલી છે, મોટી માછલીઓ હજુ પણ પકડથી દૂર છે.ભરતીની પરીક્ષાઓની વાત બેરોજગારી સાથે જાેડાયેલી છે. ગુજરાતમાં ભરતી થતી નથી અને જાે ક્યારેક ભરતી થાય તો પેપર ફૂટી રહ્યા છે. ૧૮૬ પદ પર ભરતી માટે લાખો બેરોજગારોએ ફોર્મ ભર્યા હતા. રાજ્ય સરકાર હાઇકોર્ટના સીટીંગ જજ દ્વારા આ પેપરલીક કાંડ અંગે તપાસ કરાવે, તો જ મોટી માછલીઓ પકડાશે અને યુવાનોને ન્યાય મળશે. ગૌણ સેવા પસંદગી મંડળ હવે કોઈપણ પરીક્ષા લે એ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં કરાવે તે ખુબ જ જરૂરી છે.