બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં દૂધ સંપાદન થકી ૩.૫૦ લાખ પશુપાલકોને રોજગારી પુરી પાડતી બનાસ ડેરી દ્રાર જિલ્લામાં હરિયાળી પાથરવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં વાવ તાલુકાના તિર્થગામે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પશુપાલકોને મદદરૂપ બનવા માટે બનાસ દાણમાં બોરી દીઠ રૂપિયા૧૦૦ નો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે બનાસ દાણમાં રૂપિયા ૧૦૦ના ભાવ ઘટાડાથી હવે પશુપાલકોને બનાસ દાણની પ્લાસ્ટિક બેગ રૂ.૧૨૩૦ અને શન બેગ રૂ.૧૩૦૦માં મળશે. જેનો સીધો લાભ જિલ્લાના સાડા ૩ લાખ ઉપરાંતના પશુપાલકોને થશે. જેને લઈ ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળી રહી છે. પાલનપુરની બનાસડેરી તેની કામકાજની ક્ષિતિજો ઉત્તરપ્રદેશના તેમજ બિહારના સરહદી વિસ્તારોમાં વિસ્તારી રહી છે. દરમિયાનમાં શુક્રવારના રોજ ઉત્તરપ્રદેશના બલિયા ખાતે બનાસડેરીના મિલ્ક પેકિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવતા આવા નવા વિસ્તારોમાં પણ હવે લોકો સુધી બનાસડેરી દ્વારા અમુલ દૂધ, છાશ, દહીં જેવી પ્રોડક્ટ વેચાતી થશે.દૈનિક સરેરાશ ૬૦ લાખ લીટર દૂધ સંપાદન કરતી બનાસડેરી તેનું વધારેમાં વધારે દૂધનું પાઉચમાં પેકિંગ કરીને ઉપભોક્તાઓ સુધી પહોંચાડે છે અને આ રીતે દૂધ ઉત્પાદકોને દૂધનું ઊંચું વળતર આપવામાં સફળ રહી છે. ઉત્તરપ્રદેશના બલિયા ખાતે પણ દૈનિક ૫૦ હજાર લિટર દૂધનું પેકિંગ કરવા માટેનું પેકિંગ સ્ટેશન ઉભું કરવામાં આવતાં બનાસડેરીના દૂધ વેચાણમાં વધારો થશે અને દૂધ ઉત્પાદકોને પણ લાભ થશે.