વડોદરા : કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભેજાબાજાે લોકોને મોતના મુખમાં ધકેલી રૂપિયા કમાવવાની તક છોડતા નથી. ઘણાં દિવસોથી ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન પકડાવવાનો સિલસિલો યથવાત્‌ છે. દર્દીઓ માટે જીવાદોરી સમાન ઓક્સિજન સિલિન્ડરની અછત સર્જાતાં હવે તેની પણ કાળાબજારી શરૂ થઇ છે. ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરનાર અમદાવાદના ભેજાબાજની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ૪૭ લિટરના ૩ ઓક્સિજન સિલિન્ડર મળી રૂા.૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જાેવા મળી રહ્યો છે. આવા સંકટ સમયે રેમડેસિવિર ઇન્જેક્શન અને ત્યાર બાદ હવે ઓક્સિજન સિલિન્ડરની અછત ઊભી થવા પામી છે. આ પરિસ્થિતિ વચ્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી થતી હોવાની માહિતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ ગોઠવી અમદાવાદ અમરાઇવાડી કરણીનગર સોસાયટીમાં રહેતા જય ગઢવીનો ડમી ગ્રાહક પાસે સંપર્ક કરાવ્યો હતો. જય ગઢવીને ફોન કરી ઓક્સિજન સિલિન્ડર બાબતે પૂછતાં તેણે કહ્યું મારી પાસે હમણા ૪૭ લિટરના ત્રણ સિલિન્ડર હમણા મળ્યા છે, તેની બજાર કિંમત રૂા.૧૫,૦૦૦ છે તેમને રૂા. ૩૦,૭૦૦ અને જીએસટી અલગથી ચૂકવવું પડશે. જેથી ડમી ગ્રાહકે ઓક્સિજન લેવાની તૈયારી દાખવતાં જય ગઢવી પોતાની હોન્ડા અમેઝ કારમાં ત્રણ સિલિન્ડર લઇ વડોદરા પહોંચ્યો હતો, જ્યાં અમિતનગર સર્કલ ખાતે વોચમાં રહેલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ગાડી રોકી ભેજાબાજ જય ગઢવીની અટકાયત કરી કારમાંથી ૩ ઓક્સિજન સિલિન્ડર કબજે કર્યાં હતા.