ઢાકા

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં 'મોદી ગો બેક'ના નારા સાથે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ થઈ રહ્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 માર્ચે બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહ્યા છે, કોરોના વાઇરસના સંક્રમણ બાદ આ પ્રથમ વિદેશપ્રવાસ હોવાથી આની પર સૌની નજર છે.

જોકે બાંગ્લાદેશના એક વર્ગ દ્વારા નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, શુક્રવારે અને શનિવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પ્રદર્શનો પણ યોજવામાં આવ્યાં હતાં.બાંગ્લાદેશના વિદેશમંત્રી અબ્દુલ મોમેને શનિવારે કહ્યું કે એક સમૂહ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, એનાથી ચિંતિત થવાને કારણ નથી.

તેમણે કહ્યું, "કેટલાક લોકો ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઢાકાની મુલાકાતના વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે પણ ચિંતાની કોઈ વાત નથી. બાંગ્લાદેશ લોકશાહીમાં માનનારો દેશ છે, જ્યાં નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે."

ઍસોસિયેટ પ્રેસ તેમના અહેવાલમાં લખે છે કે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શુક્રવારે કેટલાક મુસ્લિમ સંગઠનો અને કર્મશીલ વિદ્યાર્થીઓએ નરેન્દ્ર મોદીના પ્રવાસનો વિરોધ કરવા પ્રદર્શનો યોજ્યાં હતાં. આવાં જ કેટલાંક પ્રદર્શનો શનિવારે પણ યોજાયાં હોવાના મીડિયા અહેવાલો પ્રકાશિત થયા છે.