વડોદરા, તા. ૨૨

વહેલી સવારે દરજીપુરા વિસ્તારમામ આવેલ એરફોર્સ સ્ટેશનમાં દિપડો નજરે પડતા સ્ટેશનમાં કાર્ય કરતા સીક્યોરીટી ગાર્ડ સહિતના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અગાઉ પણ શહેરમાં દિપડો આવી જવાના અનેક બનાવ વચ્ચે ફરી એક વાર શહેરના છેવાડાના વિસ્તારમાં દિપડાએ દેખાં દેતા શહેરીજનોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. એરફોર્સ સ્ટેશનમાં કાર્ય કરતા કર્મચારીઓ અને અન્ય રહેવાસીઓ સુરક્ષિત રહે અને કોઈ દુર્ધટના ન ઘટે તે માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરુ મુકીને દિપડો પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધતી જતી વસ્તીના કારણે જંગલો લુપ્ત થતા જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કરતા હોવાની કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં દિપડાની દહેશત વધી રહી હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે. ક્યારેક ગ્રામ્ય વિસ્તારમાં દિપડો બાળક ખેંચી જવાની ઘટના સામે આવતી હોય છે. તો ક્યારેક શહેરી વિસ્તારમાં દીપડાની હાજરીના પુરાવા સામે આવતા હોય છે. આ બાબતે વન્યજીવ પ્રેમી હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે, આજે સવારે દરજીપુરા એરફોર્સમાથી સવારે સાડા ચાર વાગ્યે અમને ફોન આવ્યો, જેમાં જણાવાયું કે દીપડો દેખાયો છે. તાત્કાલિક હું અને મારા સાથી મિત્રો ઘટના સ્થળ પર પહોંચ્યા. ત્યાં જઇને અને ખરાઇ કરી તો દીપડાના પંજાના નિશાન અમને જાેવા મળ્યા હતા. જેથી દરજીપુરા એરફોર્સમાં દિપડો હોવાની ખાતરી થઇ ગઇ છે.એરફોર્સ સ્ટેશનમાં સીક્યોરીટી ગાર્ડે દીપડાને જાેયો હોવાનું પણ જણાવ્યું હતું. આ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરાતા તેઓ દ્વારા પાંજરૂ મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.