વડોદરા, તા.૧૩ 

વારસિયા વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે મહાદેવ મોહલ્લામાં રહેતી ૧૯ વર્ષીય ભાવિકા રાજેશભાઈ મનવાણી હાલમાં આણંદ કોલેજ ખાતે એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે જણાવ્યું હતું કે ‘‘ હું ગઈ કાલે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં ચૈનાની સ્કુલ નજીક ઉભા રહેતા વિક્કીભાઈની લારીએ ફ્રુટ ખરીદવા માટે ગઈ હતી. આ દરિમયાન ત્યાં સિટી પોલીસની પીસીઆર વાન આવી હતી અને પોલીસે લારી બંધ કરવા માટે જાહેરમાં અમારા સમગ્ર સિંધી સમાજને સંબોધીને તેમજ લારીધારકને જાહેરમાં અપશબ્દો કહ્યા હતાં.

મે પોલીસને હું લોની સ્ટુડન્ટ છુ તેવી ઓળખ આપી સિંધી સમાજ માટે અપશબ્દો નહી બોલવાનું કહેતા જ પોલીસ જવાને મારી બોંચી પકડી હતી અને ત્યારબાદ વુમન પોલીસ રમીલાબેને મને મારા પગ ઉંચા કરી બળપુવર્ક પીસીઆર વાનમાં બેસાડી હતી. મને સિટી પોલીસ મથકમાં પાછળના દરવાજાથી ઈન્વેસ્ટીગેશન રૂમમાં લઈ જવાઈ હતી જયાં સિટી પી.આઈ. વી.આર.વાણિયાએ મને જાેરથી લાફો ઝીંકતા હું નીચે પડી જતા તેમણે મારા જમણા પગની જાંઘ પર બેલ્ટ ફટકાર્યો હતો અને રમીલાબેને પણ મને અપશબ્દો કહ્યા હતા. પોલીસે મારી સામે ફરિયાદ નોંધી મને સમન્સ આપી રવાના કરી હતી પરંતું વહેલી સવારે મને માથા અને પગમાં દુઃખાવો થતા હું સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ છું.’’

આ બનાવની ભાવિકાએ સિટી પીઆઈ સહિતના સ્ટાફ સામે ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી પરંતુ પોલીસે ભાવિકા સામે જ ગુનો નોંધતા પોલીસની કામગીરીએ વિવાદ ઉભો કર્યો છે. સિટી પોલીસે સિંધી સમાજનુ અપમાન કરી તેમજ પીઆઈએ યુવતીને માર મારવાના બનાવની જાણ થતાં જ આજે વારસિયા વિસ્તારના સિંધી સમાજમાં ભારે રોષ ફેલોય હતો અને તેઓ આ અંગેની આવતીકાલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા પણ જશે તેવી વિગતો સાંપડી છે.

યુવતી ખોટા આક્ષેપ કરતી હોવાનો પોલીસનો બચાવ

સિંધી યુવતીને માર મારવાના બનાવની તપાસ કરતા એએસઆઈ રમણભાઈએ જણાવ્યું હતું કે ભાવિકા પોલીસ પર ખોટા આક્ષેપ કરે છે. તેણે તમે કેમ લારી બંંધ કરાવો છો તેમજ તમે મને ઓળખો છો તેમ કહી પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને મોબાઈલમાં શુટીંગ કરી પોલીસની કામગીરીમાં દખલ કરી હતી. તેની સામે ફરિયાદ નોંધી તેને સમન્સ મોકલાયુ છે પરંતું તે હાજર થતી નથી.