દિલ્હી,

રશિયામાં બુધવારે બંધારણમાં મોટો સુધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે હવે રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન 2036 સુધી દેશનાં રાષ્ટ્રપતિ રહી શકશે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. વળી બીજા વિશ્વ યુદ્ધમાં વિજયની 75 મી વર્ષગાંઠ અને બંધારણ સુધારણામાં મળેલા મત બદલ તેમને અભિનંદન આપ્યા. આ દરમિયાન બંનેએ ભારત-રશિયાની વાર્ષિક દ્વિપક્ષીય સમિટ પર પણ ચર્ચા કરી હતી.

ચર્ચા દરમિયાન, પીએમ મોદી અને પુતિન દ્વિપક્ષીય સંપર્કો અને પરામર્શની ગતિ જાળવવા સંમત થયા હતા જેથી આ વર્ષનાં અંત સુધીમાં ભારતમાં વાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠક થઈ શકે. પીએમ મોદીએ દ્વિપક્ષીય સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનને આવકારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. વળી, રશિયન રાષ્ટ્રપતિ પુતિને ફોન કોલ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. સાથે જ બંને દેશો વચ્ચે તમામ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવાની પ્રતિબદ્ધતાને પણ પુનરોચ્ચાર કર્યો. 

પુતિનનો કાર્યકાળ 2024 માં સમાપ્ત થવાનો હતો. દરમિયાન, રશિયન લોકોએ 2036 સુધી રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનને પદ પર રાખવા સમર્થન અને વિરોધમાં મત આપ્યો. આ મતદાનમાં લગભગ 60% મતદારોએ મત આપ્યો હતો. અત્યાર સુધીનાં પરિણામોમાં, 78 ટકા લોકોએ બંધારણ સુધારાને ટેકો આપ્યો છે. આવી સ્થિતિમાં પુતિન વર્તમાન કાર્યકાળ પછી 6-6 વર્ષ માટે ફરીથી રાષ્ટ્રપતિ રહેશે. બીજી તરફ, વિપક્ષે સરકાર પર મતદાનમાં ગડબડ કરવાનો આરોપ લગાવ્યો છે.