વડોદરા-

થોડા સમય પહેલા લોકડાઉનના નિયમોના ધજાગરા ઉડાવતાં શહેરમાં નબીરાઓ દ્વારા ફાર્મ હાઉસ પર કરાયેલી પાર્ટીના ક્રાઈમની યાદ અપાવતો બીજો એક બનાવ વડોદરામાં ગઈરાત્રે બન્યો હતો જેમાં મોડી રાત સુધી દારૂની પાર્ટી માણી રહેલા નબીરાઓ ફરીથી પોલીસના હાથે ઝડપાયા હતા જેમાં શહેરના વગદારોના અનેક નબીરાઓ પકડમાં આવી ગયાનું જાણવા મળે છે તેમજ તેમને છોડાવવા માટે પરીવાર દ્વારા ભારે દોડધામ પણ કરવામાં આવી રહી છે.

ઝડપાયેલા નબીરાઓમાં નામાંકિત કબીર ફાર્મના માલિકના પુત્રનો પણ સમાવેશ થાય છે જેને છોડાવવા માટે વગદારો દ્વારા ઉપરાછાપરી ફોન કરાયા હતા કે પછી પોલીસ સ્ટેશને આંટાફેરા મારવા માંડ્યા હતા. ગતરાત્રીએ બનેલા આ બનાવમાં શહેરના અનેક વગદારોના સંતાનો સામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ વગદારો પોતાના સંતાનો આ રીતે ઝડપાઈ જતાં ભારે ભીંસમાં મૂકાઈ ગયા હતા અને સંતાનોને છોડાવવા માટે ભારે ધમપછાડા શરૂ કરી દીધા હતા. પોલીસ કોઈપણ રીતે વગદારોના સંતાનોના નામ ચોપડે ન ચડાવે એવા પ્રયાસો કરાયા હોવા છતાં લક્ષ્મીપૂરા પોલીસે મચક નહોતી આપી અને આખરે ફરીયાદ દાખલ કરી દેતાં આખી રાત વગદારોએ પોતાના સૂત્રોને કામે લગાડવા ઉજાગરા કરવા પડ્યા હતા.