લોકસત્તા વિશેષ : શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને લઈને હવે સારવાર માટે પથારીઓ ઓછી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સ્થિતિમાં શહેરમાં કોરોના દર્દીઓની સારવાર માટેની પથારીઓ વધારવા માટે ભાજપના જુદા જુદા જુથો દ્વારા આંતરીક સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે આવા જ પથારીઓ વધારવાના વિચાર સાથે શાસક ભાજપાના એક ઉચ્ચ રાજકારણીએ શહેરની મેડીકલની વ્યવસ્થા સંભાળતા એક ઉચ્ચ અધિકારીને ફોન કર્યો હતો. પરંતુ નેતાના આ વિચારથી અધિકારી ઉકળી ઉઠ્યા હતા અને તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોરોનાની પથારી વધારવાની રાજકીય સ્પર્ધા બંધ કરો નહીં તો વડોદરાની પથારી ફરી જશે. આ રીતે આયોજન વગર પથારીની સંખ્યા વધારશો પરંતુ ત્યાં ડોકટર અને અન્ય સ્ટાફ ક્યાંથી લાવશો? તેવો સવાલ કરી અધિકારીએ આવી નીતિથી શહેરમાં મેડીકલ સ્ટાફની અછત ઉભી થવાની ચિંતા વ્યક્ત કરી હતી. આ સમયે અધિકારીનો મિજાજ પારખી ગયેલા નેતાએ કોરોના દર્દીઓની સારવાર માટે નવી પથારીઓ ઉભી કરવાનો વિચાર પડતો મુક્યો હોવાનું જાણવા મળ્યું છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરમાં સતત વધી રહેલા કોવીડ પેશન્ટ્‌સની સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં સતત પથારીઓ વધારવાની કામગીરી ચાલી રહી છે. ગોત્રી હોસ્પિટલના દર્દીઓ માટે પોલીટેકનિક કોલેજ કંપાઉન્ડમાં આવેલ સમરસ હોસ્ટેલમાં તો સયાજી હોસ્પિટલના દર્દીઓ માટે અટલાદરા સ્વામીનારાયણ મંદિરના સભા મંડપમાં નવી પથારીઓ ઉભી કરવામાં આવી છે.

આ ઉપરાંત બુધવારે શહેરમાં આવેલા પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા નમો આઈસોલેશન વોર્ડનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. જ્યાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા લોકોને ભાજપના સાંસદ અને ધારાસભ્યની મદદથી ભોજન સાથેની આઈસોલેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ વધારાની વ્યવસ્થા માટે ડોકટર સહિતનો પેરા મેડિકલ સ્ટાફ ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાંથી ફાળવવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં શહેરમાં હાલ તબીબી સેવાના સ્ટાફની અછત વર્તાય છે. આ સ્થિતિમાં નવી વ્યવસ્થા ઉભી કરવાથી વર્તમાન વ્યવસ્થા પણ ખોરવાઈ જશે તેવો ભય છે.જેના કારણે ભાજપના વિવિધ જુથની આંતરીક સ્પર્ધામાં શરૂ થયેલી પથારી વધારવાની ઘેલછા આગામી દિવસોમાં વડોદરાની મેડીકલ વ્યવસ્થાની પથારી ફેરવી નાંખશે તેવો અંદેશો આપી શહેરના આ ઉચ્ચ અધિકારીએ ભાજપી નેતાને અટકાવવામાં સફળતા મેળવી હતી.