સિતાલકુચી-

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે સિતાલકુચી ખાતે ૪ મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન દરમિયાન કેન્દ્રીય દળોની ગોળી વાગવાના કારણે મૃત્યુ પામેલા યુવકોના પરિવારજનોને તેમણે આશ્વાસન આપ્યું હતું અને દોષિતોને સજા મળશે તેની ખાતરી આપી હતી. હિંસાની ઘટના બાદ ચૂંટણી પંચે ૭૨ કલાક સુધી સિતાલકુચીમાં રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો જેથી મમતા બેનરજી છેક આજે મૃતકોના પરિવારજનોને મળી શક્યા હતા.

મમતા બેનરજીએ લોકોને ઉશ્કેરાયા વગર શાંત રહેવા સલાહ આપી હતી. સાથે જ દેશમાં વધી રહેલા કોરોનાના કેસ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા. ચૂંટણી દરમિયાન હિંસાને લઈ તેમણે બુલેટનો જવાબ બેલેટથી આપીશું તેવું નિવેદન આપ્યું હતું. મમતા બેનરજીએ કહ્યું કે, ૩ મહિના પહેલા મોદીને પત્ર લખ્યો હતો કે બધાને ફ્રીમાં ઈન્જેક્શન આપો, પણ ન આપ્યું. એક વર્ષ પહેલા કોવિડ મટી ગયો હતો. જાે બધાને ઈન્જેક્શન આપી દીધું હોત તો સંક્રમણ આટલું ન ફેલાત. હવે કોરોના થઈ રહ્યો છે તેના માટે નરેન્દ્ર મોદી અને તેમનું સ્વાસ્થ્ય મંત્રાલય જવાબદાર છે.