અમદાવાદ-

રેપ કેસમાં પાસા કરવાની ચિમકી આપી ૩૫ લાખનો કહેવાતો તોસ્તાન તોડ કરનારી મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા પાસેથી બે મહિના બાદ પણ પોલીસ એકેય રુપિયો રિકવર નથી કરી શકી. હાલ શ્વેતા જાડેજા આ મામલે જેલમાં છે, અને તેની સામે સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવાઈ છે. જાે કે શ્વેતાના ત્રણ દિવસના રિમાન્ડમાં પણ પોલીસને ૩૫ લાખ અંગે કોઈ માહિતી નહોતી મળી શકી. શ્વેતા જાડેજાએ જે રકમ સ્વીકારી હોવાનું કહેવાઈ રહ્યું છે તે રકમ એક મહિલા કર્મચારી આંગડિયામાં જમા કરાવવા ગઈ હતી. આ રકમ શ્વેતાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાએ સ્વીકારી હતી, જે હજુ સુધી પોલીસની પકડની બહાર છે. પોલીસે તેની સામે વોરન્ટ પણ બહાર પાડ્યું છે, અને જાે તે હાથમાં ના આવે તો તેની મિલ્કત જપ્તીની કાર્યવાહી પણ કરાશે. ૩૫ લાખના તોડકાંડની તપાસ એસઓજી ક્રાઈમ બ્રાંચ કરી રહી છે,

અને તેના એસીપી બી.સી. સોલંકી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮ તથા સુધારાની કલમ ૭, ૧૨, ૧૨-એડી સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે. શ્વેતા સામે આરોપ છે કે તેણે જીએસપી ક્રોપ સાયન્સ પ્રા. લિમિટેડના એમડી કેનલ શાહ વિરુદ્ધ થયેલા રેપ કેસમાં પાસા ના કરવા માટે ૩૫ લાખ માગ્યા હતા. કેનલ શાહ સામે ૨૦૧૭માં એક મહિલા કર્મચારીએ રેપ કેસ કર્યો હતો. ત્યારબાદ તેની સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સાક્ષીને ધમકાવવા અંગે ફરિયાદ થઈ હતી. કેનલ સામેના રેપ કેસની તપાસ શ્વેતા જાડેજા પાસે હતી. જેમાં કેનલને પાસા હેઠળ પૂરી દેવાની ધમકી આપી ૩૫ લાખની ડિમાન્ડ કરી હતી. કેનલે શ્વેતાને ૨૦ લાખ ચૂકવી દીધા હતા, જ્યારે બાકીના ૧૫ લાખ માટે શ્વેતા વ્હોટ્‌સએપ પર કોલ કરી કેનલને ધમકાવતી હતી.

કેનલે પોતાની કંપનીના મહિલા કર્મચારી મારફતે આંગડિયા પેઢીમાં શ્વેતાના કહ્યા અનુસાર રુપિયા મોકલ્યા હતા. આમ, શ્વેતા વતી તેના બનેવી દેવેન્દ્રએ ૩૫ લાખ સ્વીકાર્યા હતા. પોલીસે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ૪૭ સાક્ષીઓના નિવેદન ઉપરાંત, ઢગલાબંધ પુરાવા પણ રજૂ કર્યા છે. બીજી તરફ, બે મહિનાથી જેલમાં રહેલી શ્વેતા ચાર્જશીટ રજૂ થયા બાદ હવે જામીન અરજી કરે તેવી શક્્યતા છે. જાે કે લાંચના કેસમાં મુદ્દામાલ જ સૌથી મહત્વનો હોય છે, અને આ કેસમાં પોલીસ હજુ સુધી એકેય રુપિયો રિકવર નથી કરી શકી, અને જેણે લાંચ લીધી હોવાના દાવા થઈ રહ્યા છે તેવો શ્વેતાનો બનેવી પણ હજુ સુધી પોલીસની પકડથી બહાર છે.