ભરૂચ, ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્ષ પૂર્ણ થતાં હવે વહિવટદારની નિયુક્તિ કરાઈ છે. હિન્દુસ્થાન નિર્માણ દલે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ભરૂચ નગરપાલિકા સાથે ભ્રષ્ટાચાર યુક્ત રહ્યું હોવાના દાવા સાથે નગરપાલિકાનું શુધ્ધિકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ધુપ સળગાવી નગરપાલિકાની કચેરીમાં મંત્રોચ્ચાર સાથે શુધ્ધિકરણ કરાતા પાલિકાના કર્મચારીઓ અને પાલિકામાં કામ અર્થે આવેલા લોકોમાં કુતૂહુલ સર્જાયું હતું.

૧૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ભરૂચ નગરપાલિકામાં ભાજપના શાસનની અવધિ પૂર્ણ થતાં હવે ત્યાં વહિવટદાર નિયુક્ત કરાયા છે. પાલિકાની ચૂંટણી ન થાય ત્યાં સુધી હવે વહિવટદાર નગરપાલિકાનો વહિવટ કરશે. હિન્દુસ્થાન નિર્માણ દલના સંદિપ(સેજલ) દેસાઈ, ધવલ કનોજીયા, રાજુ પંડિત અને જશવંતસિંહ સહિતના કાર્યકરોએ આજરોજ નગરપાલિકાના શુધ્ધિકરણ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીનું શાસન ભ્રષ્ટાચાર યુક્ત રહ્યું હોવાથી તેનું શુધ્ધિકરણ કરી આવનારા દિવસોમાં વહિવટદારનું શાસન અને ત્યારબાદ યોજાનાર ચૂંટણીમાં પ્રમાણિક સભ્યોની નિયુક્તિ થાય અને ત્યારબાદનું શાસન પણ પ્રમાણિક નિષ્ઠાવાન અને ભ્રષ્ટાચારમૂક્ત બને તે માટે ધૂપ અને મંત્રોચ્ચાર સાથે શુધ્ધિકરણ કરાયું હોવાનો દાવો હિન્દુસ્થાન નિર્માણ દલે કર્યો હતો.

એચ.એન.ડી.ના કાર્યકરોએ પાલિકા પ્રમુખની ચેમ્બર, મુખ્ય અધિકારીની ચેમ્બર સહિત અન્ય વિભાગોની ચેમ્બર સહિત નગરપાલિકાની લોબીમાં મંત્રોચ્ચાર સાથે ફૂલ મૂકી, ધુપનો ધુમાડો આપતા પાલિકાના કર્મચારીઓ અને નગરપાલિકામાં કામ અર્થે આવેલા લોકો કેબિનોમાંથી બહાર આવ્યા હતા. જેઓમાં શુધ્ધિકરણને લઈ કુતૂહુલ સર્જાયું હતું. હિન્દુસ્થાન નિર્માણ દલના ધવલ કનોજીયાએ આ અંગે જણાવ્યું હતું કે ભરૂચના હિત માટે પાલિકાનું શાસન ભ્રષ્ટાચારમુકત બને તે જરૂરી છે.