ગાંધીનગર, ગુજરાત કોંગ્રેસ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના સ્થાપના દિવસ એટલે કે આગામી તા. ૧ લી મે ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ અપાયું હતું. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકૂફ રખાયો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ તરફથી આયોજિત દાહોદ ખાતેની આદિવાસી અધિકાર રેલીમાં ઉપસ્થિત રહેવા માટે રાહુલ ગાંધીને ગુજરાત આવવા આમંત્રણ અપાયું હતું. આગામી તા. ૧ લી મેના રોજ દાહોદ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત આદિવાસી અધિકાર રેલીમાં હાજરી આપવા માટે આમંત્રણ અપાયું હતું. પરંતુ પ્રવર્તમાન સંજાેગોમાં કોઈ કારણોસર પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની હાજરીમાં આદિવાસી અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાે કે હવે ગુજરાત કોગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓની હાજરીમાં આ આદિવાસી અધિકાર રેલી યોજવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે, તા. ૧ લી મેના દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવવાના હતા. રાહુલ ગાંધી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત આદિવાસી અધિકાર રેલીને દાહોદ ખાતેથી પ્રસ્થાન કરાવવાના હતા. તેની સાથોસાથ દાહોદ ખાતે એક જનસભાને પણ સંબોધવાના હતા. કારણ કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાંથી ગુજરાત સરકે તે પરવડે તેમ નથી, જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ દ્વારા આદિવાસી વિસ્તાર ઉપર લક્ષ્ય આપવામાં આવી રહ્યું છે.

દાહોદ ખાતે યોજાનારી આદિવાસી અધિકાર રેલીના આયોજનને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા આવતી કાલે બુધવારે એક બેઠક મળશે. જેમાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનો પ્રવાસ મોકૂફ રહ્યો છે. પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માની આગેવાની આવતીકાલે એક મહત્વની બેઠક મળવાની છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માના નેતૃત્વમાં મળનારી આ બેઠકમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહીત કોંગ્રેસ પક્ષના તમામ આદિવાસી ધારાસભ્યો તેમજ રાજ્યસભાના સાંસદ ખાસ ઉપસ્થિત રહેશે.