વડોદરા : કોરોનાની મહામારીના કારણે એક વર્ષના અંતરાલ બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને કરફયૂ વચ્ચે આજે ભગવાન જગન્નાથજીની નગરયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર નીકળી હતી. જાેક ે, આ રથયાત્ર દરમિયાન પોલીસતંત્રના કડક કરફયૂના હુકમના લીધે ભક્તો અને શ્રદ્ધાળુઓ ઘરમાં નજરકેદ હોવાથી ભગવાનની નગરયાત્રા ફિક્કી અને સાદગીપૂર્ણ સંપન્ન થઈ હતી. તદ્‌ઉપરાંત બે કલાકના સમયમર્યાદામાં નગરયાત્રા પૂર્ણ કરવાની હોવાથી ભગવાનના રથને ઝડપથી દોડાવવામાં આવી રહ્યો હતો. અલબત્ત, આ ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અપાર શ્રદ્ધાને બદલે પરંપરા જાળવી રાખવા માટે યોજવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું હતું.

આજે અષાઢી બીજ ને સોમવારે મળસ્કે ૪.૩૦ કલાકે ભગગવાન જગન્નાથજીની મંગળાઆરતી થયા બાદ ૭.૧પ કલાકે શૃંગાર દર્શન ભક્તો માટે ખૂલ્યા હતા. સવારે ૮ વાગે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રજી રથમાં બિરાજમાન થયાં હતાં. બાદમાં આગેવાનોએ પૂજન-અર્ચન અને આરતી કર્યા બાદ જગન્નાથજીનો રથ પ્રસ્થાન કરાવતા પૂર્વે મેયર કેયુર રોકડિયા, ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, ધારાસભ્ય સીમા મોહિલે, સ્થાયી અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ, વિપક્ષી નેતા અમી રાવત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુવર્ણ સાવરણીથી રાજમાર્ગની સફાઈ કરી હતી. ત્યાર બાદ જય જગન્નાથજીના જયઘોષ સાથે વડોદરા રેલવે સ્ટેશન ખાતે મંદિરના સ્વયંસેવકો, કેટલાક ભક્તો અને પોલીસ જવાનોએ રેશમના દોરડા વડે રથ ખેંચીને રથ નગરયાત્રાનો પ્રારંભ કરાયો હતો. રાજ્ય સરકારની ગાઈડલાઈન અને કરફયૂમાં હજારો ભક્તો, ભજનમંડળીઓની ભીડની ગેરહાજરી વર્તાઈ હતી.

રથયાત્રાના પરંપરાગત માર્ગો પરના છ પોલીસ મથકોના વિસ્તારોમાં સવારે ૬ થી બપોરના ૧૨ સુધી કરફયૂ હોવાથી આ રૂટની તમામ દુકાનો, વાહનવ્યવહાર, રાહદારીઓની અવરજવર બંધ હોવાથી સૂમસામ રાજમાર્ગો પર રથયાત્રા ઝડપભેર આગળ વધી હતી. રથયાત્રાના સ્વાગત માટે પરવાનગી નહીં હોવાથી માર્ગમાં આવતા મકાનોની, અટારી, ધાબાઓ તેમજ ગીચ વિસ્તારમાં કેટલીક વ્યક્તિઓને રથ ધીમો થવાથી દર્શનનો લહાવો મળ્યો હતો. રથયાત્રાના માર્ગો પર પોલીસ, એસઆરપીના જવાનોનો કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તો અને શ્રદ્ધાળુઓ ફરકી શક્યા ન હતા.

રેલવે સ્ટેશનથી કાલાઘોડા, એસએસજી હોસ્પિટલ, કોઠી ચાર રસ્તા, અમદાવાદી પોળ, પદમાવતી શોપિંગ સેન્ટર થઈ મદનઝાંપા રોડ, જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા લગભગ બે કલાકમાં સડસડાટ પોલોગ્રાઉન્ડ મેદાને પહોંચી હતી. રથયાત્રાના રૂટના માર્ગો ઉપર આકર્ષક રંગોળી બનાવી ભગવાનને આવકારવામાં આવ્યા હતા. આમ, કરફયૂના કડક અમલ વચ્ચે જૂન જનસંખ્યા સાથે પોલોગ્રાઉન્ડ મેદાને પહોંચી ભગવાનની રથયાત્રા બાદ ભગવાન શ્રી જગન્નાથજીની આરતી કર્યા બાદ સંપન્ન થઈ હતી, તે બાદ રથને નીજમંદિરે લઈ જવાયો હતો.

-----------------

‘’

રથયાત્રા સિવાયના રૂટ ઉપર બેરિકેટ કરાતાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ

વડોદરા. શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને શહેર પોલીસતંત્ર દ્વારા શરતી મંજૂરી આપવામાં આવતાં શહેરના કેટલાક વિસ્તારમાં રથયાત્રા પહેલાં જ રૂટ પર બેરિકેટ ગોઠવી દેવામાં આવતાં કેટલાક ઠેકાણે વાહનવ્યવહારમાં ગેરવ્યવસ્થા સર્જાઈ હતી અને વાહનચાલકો અને પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલી સાથે ઘર્ષણના બનાવો બનવા પામ્યા હતા. તદ્‌ઉપરાંત ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં અને સંખ્યાબંધ વાહનચાલકો અટવાઈ પડયા હતા. ઓફિસમાં જવા માટે મોડું થતું હોવાથી વાહનચાલકોમાં રોષની લાગણી જાેવા મળી હતી. તો બીજી તરફ શહેરના ગાંધી નગરગૃહ પાસે રથયાત્રના સમયે સગર્ભા મહિલા દવાખાને જવા નીકળી હતી, પરંતુ કરફયૂના લીધે કડક અમલ કરવા પોલીસનો કાફલો બંદોબસ્તમાં હતો. ચાલતી જતી સગર્ભા મહિલાને દવાખાને જતાં પોલીસે રોકી હતી અને આગળ જવા અટકાવી હતી.

કોરોનાની મહામારી અને ગાઈડલાઈનને અનુસરી રોબો રથયાત્રા ઘરઆંગણે યોજી પરંપરા જાળવી

વડોદરા. વડોદરા ઉત્સવ અને સંસ્કારપ્રિય નગરીમાં કેટલાક શ્રદ્ધાળુઓ અને ભક્તો દ્વારા પરંપરાને જાળવવાના હેતુસર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા કોરોનાની મહામારી તેમજ રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર જાહેર માર્ગો ઉપરને બદલે પોતાના મકાન કે બંગલાના કંપાઉન્ડમાં જ ભગવાનની રથયાત્રા પરિવારના સદસ્યો અને સંબંધીઓની ઉપસ્થિતિમાં કાઢી ઉજવણી કરી હતી. જેમાં છેલ્લા સાત વર્ષથી મહત્મા ગાંધી યૂથ ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે ફાઈન આર્ટસ ફેકલ્ટીથી ફતેગંજ સુધી રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે રથયાત્રા જાહેર માર્ગો ઉપરને બદલે ખાનગી રાહે ઘર કે મકાનના પ્રાંગણમાં રોબો રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે ૮મી રોબો રથયાત્રા કોરોનાને લીધે તેમજ રાજ્ય સરકારની ગાઈડલાઈનને અનુસરી આ વર્ષે પણ મકાનના પ્રાંગણમાં રથયાત્રા પરિવારના સદસ્યો અને મિત્રવર્તુળ ઓર્ગેનાઈઝેશનના સદસ્યોની ઉપસ્થિતિમાં રથયાત્રા કાઢવામાં આવી હતી અને રથયાત્રાની પરંપરા જાળવી રાખવામાં આવી હોવાનું જય મકવાણાએ જણાવ્યું હતું. જ્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ કબીર કોમ્પલેક્સમાં રહેતા પાર્થ પટેલે પણ તેમની રથયાત્રાની પરંપરાને જાળવી રાખી ઘરમાં જ રથ તૈયાર કરી રથયાત્રા કાઢી ઉજવણી કરી હતી.