ગાંધીનગર, ગુજરાતની ભાજપ સરકારમાં એક તરફ રાજયમાં રેશનકાર્ડ ધારકોને રાશનનો યોગ્ય જથ્થો મળતો નથી, ત્યારે બીજી તરફ રાજયમાં મોટાપાયે રાશનના જથ્થાના વિતરણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ’આપ’ ગુજરાતના નેતા ઇસુદાન ગઢવી દ્વારા કરાયો છે. ગુજરાત’આપ’ના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગરીબ પરિવારોને જાેઇએ તેટલા પ્રમાણમાં રાશન મળતું નથી, આવી અનેક ફરિયાદો અમારી પાસે આવી છે. ઘણી રાશનની દુકાનોમાં ચોખા નથી, ક્યાંય ખાંડ નથી અને તેલ તો ભાગ્યે જ ઉપલબ્ધ છે. રાજ્યના રેશનકાર્ડ ધારક સામાન્ય અને ગરીબ લોકોને એ પણ ખબર નથી કે, આ વખતે તેમના હિસ્સામાં કેટલું રાશન આવવાનું છે. જેથી ગુજરાતમાં આ રીતે રાશનના જથ્થામાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની શંકા છે તેમ ઇસુદાન ગઢવીએ જણાવ્યુ હતું. ’આપ’ના ભાવનગર જિલ્લા પ્રમુખ મહિપાલસિંહ ઝાલાને માહિતી મળી હતી કે, સરકારી સસ્તા અનાજના ચોખાને એક ટ્રકમાં લઈ જવામાં આવે છે તે ચોખાનો જથ્થો રાશનની દુકાનોને બદલે અન્ય સ્થળે લઈ જવાય રહ્યો છે. આ દરમિયાન સવારે ૪ઃ૩૦ વાગ્યે ફોન આવ્યો જેના આધારે મહિપાલસિંહ ઝાલા તે ટ્રકની તપાસમાં પહોંચ્યા હતા. આ ટ્રક ભાવનગરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ફ્લોર મિલની ફેક્ટરીની બહારના ભાગે ઊભી હતી. કારણ કે, આ ટ્રકના આગળના વ્હિલમાં પંચર પડ્યું હોવાથી બહાર ઊભી હતી. જેથી તેની માહિતી મળી શકી હતી. આ અગાઉ પણ ભાવનગરની એક ફ્લોર મિલની ફેક્ટરીમાં ૨.૫ લાખ કિલો ગેરકાયદેસર અનાજ ઝડપાયું હતું. તે જ જગ્યાની સામેની ફેક્ટરીની બહાર આજે આ ટ્રક મળી આવી હતી. ત્યારે સવાલ એ છે કે, ગુજરાતમાં ગરીબોને જે રાશન અપાય છે, તે ગરીબોને બદલે રેશન માફિયાઓને અપાય છે તેવો આક્ષેપ પણ ગઢવીએ કર્યો હતો. ગઢવીએ કેજરીવાલના દિલ્હી મોડલની પ્રસંશા કરીને જણાવ્યુ હતું કે, કેજરીવાલે વચન આપ્યું હતું કે, કોઈપણ ગરીબને રાશન લેવા માટે રાશનની દુકાને જવું નહીં પડે, દરેક વ્યક્તિને તેના ઘરે રાશન અપાશે. ગુજરાતમાં રેશન માફિયાઓ દ્વારા જે ભ્રષ્ટાચાર કરાય છે તે જ પ્રકારનો ભ્રષ્ટાચાર કદાચ દિલ્હીમાં પણ કરવા માંગતા હશે તેવો આક્ષેપ પણ ઇસુદાન ગઢવીએ કર્યો હતો.