23, એપ્રીલ 2021
રાજપીપળા, નર્મદા જિલ્લામાં બગડી રહેલી કોરોના સ્થિતિને લઈને મુખ્યમંત્રી શુક્રવારે રાજપીપળા કોવિડ હોસ્પિટલની મુલાકાતે આવનાર છે.દરમિયાન તંત્ર એક્શનમાં આવી ગયું છે, નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદરે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિ અંગે સમીક્ષા કરી રિપોર્ટ તૈયાર કર્યો છે જે રૂપાણી સમક્ષ રજુ કરાશે. એસ.જે.હૈદરે જણાવ્યું હતું કે રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલ ખાતે હાલમાં વધુ ૧૦૦ બેડની ક્ષમતા સાથે ૨૦૦ બેડ, જિલ્લાના ચાર સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૦૦ બેડ, ૪ ખાનગી હોસ્પિટલો ખાતે ૧૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જ્યારે જરૂરીયાત મુજબ વધુ ૯૦ બેડની સુવિધા ખાનગી હોસ્પિટલો ખાતે ઉભી કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે.જિલ્લામાં ૯ કેન્દ્રોમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયાં છે.