ગાંધીનગર, રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે ગાંધીનગર કલેકટર કચેરીની મુલાકાત લીધી હતી. મહેસૂલ મંત્રીની આ મુલાકાતમાં સર્કલ ઓફિસરની જગ્યાએ કોઈ ત્રાહિત વ્યક્તિ કામ કરતો હતો. જ્યારે આ સર્કલ ઓફિસર અન્ય જગ્યાએ કારકુનની જેમ કામ કરતો હતો. જે અંગે મહેસૂલ મંત્રીએ આ અધિકારી તેમજ તેના સ્થાને કામ કરી રહેલા ત્રાહિત વ્યક્તિ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સર્કલ ઓફિસરની જગ્યાએ કામ કરી રહેલો ત્રાહિત શખ્સ છેલ્લા પાંચ મહિનાથી કામ કરતો હોવાની વિગતો પણ સામે આવી છે. જેના કારણે આ કામગીરી ઉપરી અધિકારીઓની મિલીભગતથી ચાલતી હોવાનું પણ ચર્ચાઈ રહી છે. રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ રાજ્યના મહેસૂલ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર દૂર થવાનું નામ જ લેતો નથી. તેમ છતાં મહેસૂલ મંત્રી ત્રિવેદી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોમાં આવેલી મહેસૂલ વિભાગની કચેરીઓની મુલાકાત લઈને આ દૂષણને દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. મહેસૂલ મંત્રીની ગાંધીનગર કલેકટર કચેરીની મુલાકાત દરમિયાન સર્કલ ઓફિસરની ઓફિસમાં ગયા હતા. જેમાં સર્કલ ઓફિસરની ખુરશી ઉપર કોઈ ત્રાહિત શખ્સ બેઠો હતો અને તેની ફરતે પાંચથી છ વકીલો બેઠાં હતા. જ્યારે સર્કલ ઓફિસર તેની જગ્યા છોડીને એક કારકુનની જગ્યા પર બેસીને કારકુનની જેમ કામ કરી રહ્યો હતો. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની આ ઓચિંતી મુલાકાતથી સર્કલ ઓફિસરની જગ્યાએ બેસેલા શખ્સ તેમજ વકીલોનું ટોળું અચંબિત થઈ ગયું હતું. અને ફટાફટ આ જગ્યાએથી તમામ શખ્સો વિખેરાઈ ગયા હતા. આ અંગે મહેસૂલ મંત્રી ત્રિવેદી જિલ્લા કલેકટર કુલદીપ આર્ય પાસે પહોંચ્યા હતા. અને જિલ્લા કલેકટરને લઈને મહેસૂલ મંત્રી સર્કલ ઓફિસરની જગ્યાએ ગયા હતા. જાે કે ત્યાં સુધીમાં સર્કલ ઓફિસરની જગ્યાએ બેસેલા ત્રાહિત શખ્સ તેમજ વકીલો સહિતના સૌ કોઈ જતાં રહ્યા હતા. એટલું જ નહીં, એક મહિલા કર્મચારી સિવાય કોઈ આ કચેરીમાં હાજર ન હતું. આ ઘટના અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયાને જણાવ્યુ હતું કે, મને એક જાગૃત નાગરિક દ્વારા બે દિવસ અગાઉ આ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેથી તેમને એક વીડિયો ઉતારીને મોકલવા માટે જણાવ્યુ હતું. અને તેમણે મોકલેલો વીડિયો ચકાસીને તેની ખરાઈ પણ કરી હતી. જેમાંની વિગતો સાચી હોવાનું સામે આવું હતું.

અઠવાડિયાથી નહીં પાંચ પાંચ મહિનાથી પોલમપોલ ચાલતું હતું

ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીની મેહસૂલ મંત્રી ઓચિંતી મુલાકાતમાં સર્કલ ઓફિસરના સ્થાને ત્રાહિત વ્યક્તિ તેની જગ્યાએ બેસીને ફાઈલો અને કાગળો તપાસતી હતી. જ્યારે સર્કલ ઓફિસર કારકુનની જગ્યાએ બેસીને આ ત્રાહિત વ્યક્તિ જે ફાઈલો અને કાગળો મોકલે તેની ઉપર સહી કરતાં હતા. આ મામલો એકાદ બે દિવસ કે એક બે અઠવાડિયાથી નહીં છેલ્લા પાંચ મહિનાથી ચાલતો હતો. તે બાબત પણ મહેસૂલ મંત્રીએ મીડિયાને જણાવ્યુ હતું.

આ જવાબદારી ડેપ્યુટી કલેક્ટર અને કલેકટરની રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીમાં સર્કલ ઓફિસરના સ્થાને ત્રાહિત વ્યક્તિ કાર્ય કરતી હોવાની વિગતો સામે આવી હતી. જે અંગે મહેસૂલ મંત્રીએ જણાવ્યુ હતું કે, દરેક કચેરીમાં હું આવી ન શકું. આ કચેરીમાં આવું ચાલતું હોય તો તે જાેવાની જવાબદારી ડેપ્યુટી કલેકટરની અને જિલ્લા કલેકટરની છે. તેમણે આ જાેવું જાેઈએ.