દિલ્હી-

રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ નવ વર્ષના લાંબા ગાળા બાદ થોડાંક દિવસ પહેલા જ પહેલી વખત પાકિસ્તાનના પ્રવાસે પહોંચ્યા. પાકિસ્તાની મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે લાવરોવે આ પ્રવાસ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વતી એક ‘મહત્વપૂર્ણ’ સંદેશ પાકિસ્તાની નેતાઓને આપ્યો હતો. આ સંદેશમાં લાવરોવે જણાવ્યું હતું કે રશિયા પાકિસ્તાનની જરૂરિયાતો અનુસાર તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે. એટલું જ નહીં, રશિયા પાકિસ્તાનમાં ૮ અબજ ડોલરનું રોકાણ કરવા માંગે છે. રશિયા અને પાકિસ્તાન વચ્ચેની આ વધતી મિત્રતા ભારતની ચિંતા વધારી શકે છે.

પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુને લાવરોવ અને પાકિસ્તાની નેતાઓ વચ્ચેની બેઠકમાં હાજર એક અધિકારીના હવાલાથી આ દાવો કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે લાવરોવે મીટિંગ દરમિયાન કહ્યું હતું કે હું રાષ્ટ્રપતિ પુતિનનો સંદેશ લઈને આવ્યો છું કે અમે પાકિસ્તાનને જરૂરી તમામ મદદ કરવા તૈયાર છીએ. પાકિસ્તાની અધિકારીએ કહ્યું કે લાવરોવની વાતને બીજા શબ્દોમાં કહીએ તો રશિયન રાષ્ટ્રપતિએ અમને ખુલ્લી સહાયની ઓફર કરી છે.

પાકિસ્તાની અધિકારીએ દાવો કર્યો હતો કે પુતિન પાકિસ્તાનને દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છે. અધિકારીએ લાવરોવને ટાંકીને કહ્યું કે, જાે તમે ગેસ પાઇપલાઇન, કોરિડોર, સંરક્ષણ અથવા અન્ય કોઈ સહયોગ માટે ઉત્સુક છો, તો રશિયા તેની સાથે ઉભું છે. રશિયા અને પાકિસ્તાન પહેલેથી જ ઉત્તર-દક્ષિણ ગેસ પાઇપલાઇન પર સહયોગ કરી રહ્યા છે. રશિયા પાકિસ્તાનમાં કુલ ૮ અબજ ડોલરનું રોકાણ કરવાનો ઇરાદો ધરાવે છે.

રશિયન એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની સંભાવનાઓ વિશે પૂછતાં પાકિસ્તાની અધિકારીએ કહ્યું કે રશિયા આ ક્ષેત્રમાં પાકિસ્તાન સાથે સહયોગ વધારવા માંગે છે. આ અગાઉ રશિયન વિદેશ પ્રધાને કહ્યું હતું કે પાકિસ્તાનની આતંકવાદીઓ સામેની ક્ષમતા વધારવા માટે રૂસ તેને વિશેષ સૈન્ય સહાય આપવા તૈયાર છે. આપને જણાવી દઇએ કે ભારતનો પ્રભાવ ઓછો કરવા માટે પાકિસ્તાન લાંબા સમયથી રશિયા પર નજર કરીને બેઠું છે. અફઘાનના સંકટને ઉકેલવામાં રશિયા પણ પાકિસ્તાનની મદદ લઈ રહ્યું છે. રશિયા-પાકિસ્તાનની વધતી મિત્રતા ભારતની મુશ્કેલીમાં વધારો કરી શકે છે, જે મોટાભાગે રશિયન શસ્ત્રો પર આધારીત છે.