26, ડિસેમ્બર 2024
કૃપેશ ઠક્કર |
દર વર્ષે ૨૬ ડિસેમ્બરના દિવસે શીખોના ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહના શહીદ પુત્રો સાહિબજાદે જાેરાવરસિંહ, ફતેહસિંહ, અજીતસિંહ અને જુઝારસિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર ભારતમાં ઉજવાય છે ‘વીર બાળ દિવસ’. વર્ષ ૨૦૨૨થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી હતી. જે હવે સમગ્ર દેશમાં ઉજવાય છે. આજે આપણે પર્વની પાઠશાળામાં ‘વીર બાળ દિવસ’ ની ઉજવણી, મહત્વ અને કથા વિષે ચર્ચા કરીશું અને સાથે સાથે જાણીશું આપણી સનાતન સંસ્કૃતિમાં ભક્તિ, કર્મ અને જ્ઞાન ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા બાળકો પ્રહલાદ, ધ્રુવ અને અષ્ટાવક્રના જીવન ચરિત્ર વિષે.
ભારતના ઇતિહાસમાં જે બાળકોએ દેશપ્રેમ માટે શહીદી વહોરી તેમને યાદ કરવા ‘વીર બાળ દિવસ’ ઉજવવાની પ્રથા શરૂ થઈ. આ દિવસ ઉજવવા માટે શાળા-કોલેજાેમાં વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીતો અને શહીદો તેમજ ક્રાંતિકારીઓના જીવન પર આધારિત વિવિધ પ્રસ્તુતિઓ કરે છે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. શિક્ષકો અને આચાર્ય દ્વારા ક્રાંતિના વિષય પર વક્તવ્ય અપાય છે. વીર સાહિબજાદાઓની યશ કથાઓ કહેવાય છે તેમજ રાષ્ટ્રગીત અને મૌન દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અપાય છે. આ ઉપરાંત શીખ સમુદાય આ દિવસે ખાસ કરીને ગુરુદ્વારાએ જાય છે અને વીર સાહિબજાદાઓને યાદ કરીને પ્રાર્થના કરે છે. આ સિવાય વિવિધ સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ માટે રેલીઓ અને જાહેર કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. આ રીતે વીર બાળ દિવસની વિવિધ પ્રવૃતિઓ દ્વારા ઉજવણી થતી હોય છે.
વીર બાળ દિવસનું મહત્વ જાણ્યા બાદ ચાલો જાણીએ ઇતિહાસની એ અમર કથા. પ્રચલિત વાર્તા અનુસાર વર્ષ ૧૭૦૫માં મુઘલો એ એક વાર અચાનક પંજાબના રૂપનગરમાં સ્થિત આનંદપુર સાહિબ કિલ્લા પર હુમલો કર્યો. ત્યારે શીખોના છેલ્લા અને દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહે પ્રજાજનોની રક્ષા કરવા માટે પ્રજા સહિત કિલ્લો છોડવાનું નક્કી કર્યું. સૌ લોકો નદી પાર કરીને નીકળી ગયા. પરંતુ ગુરુ ગોવિંદસિંહના નવ વર્ષીય પુત્ર સાહિબજાદે જાેરાવરસિંહ, સાત વર્ષીય પુત્ર સાહિબજાદે ફતેહસિંહ, સાહિબજાદે અજીતસિંહ સને સાહિબજાદે જુઝારસિંહ સાથે માતા ગુજરી છૂટા પડી ગયા. તેમણે સુરક્ષિત સ્થાને રોકાણ કર્યું. પરંતુ એક સેવકે ધનની લાલચમાં આવીને મુઘલ સેનાના નવાઝ વઝીર ખાનને તેમની ખબર આપી. જેથી નવાઝે સૈનિકોની ટુકડીને મોકલી એમને પકડી પાડયા. કેદમાં રહેવા છતાં માતાએ બાળકોને દેશપ્રેમ અને શૌર્યના પાઠ ભણાવ્યા અને શત્રુ સામે હાર ન માનવાનો સંદેશ આપ્યો. બીજા દિવસે બંને મોટા સાહિબજાદે જાેરાવરસિંહ અને ફતેહસિંહને દરબારમાં હાજર કરાયા અને તેમને ધર્મ પરિવર્તન કરવાની ધમકી આપી. પરંતુ બંને બાળકોએ ‘જાે બોલે સો નિહાલ, સત શ્રી અકાલ’ ના નારા લગાવ્યા અને શત્રુ સામે હાર માની નહીં. અંતે તેમને જીવતા દીવાલમાં ચણાવી દેવામાં આવ્યા. આમ ગુરુ ગોવિંદસિંહના એ પુત્રોની કથા અમર થઈ.
વીર બાળ દિવસની કથા જાણ્યા બાદ હવે વાત કરીએ સનાતન સંસ્કૃતિના એ આદર્શ બાળ ચરિત્રોની જેમની કથા પુરાણોમાં જાેવા મળે છે. સૌ પ્રથમ વાત કરીએ બાળ ભક્ત પ્રહલાદની, તો ભાગવત પુરાણ અનુસાર પ્રહલાદ એ અસુર રાજ હિરણ્યકશ્યપુનો પુત્ર હતો. એક અસુર પુત્ર હોવા છતાં તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. માટે હિરણ્યકશ્યપુએ ભગવાનની ભક્તિ છોડાવવા ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ ભગવાને હંમેશા તેની રક્ષા કરી. રાજાએ લાકડાના ઢગલા પર પ્રહલાદને બહેન હોલિકા સાથે બેસાડી આગ પણ લગાડી. પરંતુ ભગવાનની કૃપાથી હોલિકાની ઓઢણી ઉડીને પ્રહલાદ પર પડી. જેથી પ્રહલાદની રક્ષા થઈ અને હોલિકા ભસ્મ થઈ ગઈ. અંતે જ્યારે હિરણ્યકશ્યપુ પોતે પ્રહલાદને મારવા દોડ્યો ત્યારે ભગવાન વિષ્ણુ નૃસિંહ અવતાર લઈને પ્રગટ થયા અને અસુર રાજનો વધ કર્યો.
જેમ શ્રેષ્ઠ ભક્તોમાં બાળ પ્રહલાદનું સ્મરણ થાય છે તેમ દ્રઢ નિશ્ચય માટે બાળ ધ્રુવને યાદ કરાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર ધ્રુવ એ રાજા ઉત્તાનપાદ અને સુનીતિનો પુત્ર હતો. રાજાને બીજી પત્ની સુરુચિથી ઉત્તમ નામનો પુત્ર થયો. એક દિવસ નાના ભાઈ ઉત્તમને પિતાના ખોળામાં જાેઈને ધ્રુવ એ પણ પિતાનું વહાલ પામવાની ઈચ્છા કરી. પરંતુ સુરુચિ રાજાની માનીતી રાણી હતી એટલે દ્વેષભાવ રાખી તેણે એવું થવા દીધું નહીં. પરિણામે માતા સુનીતિએ ધ્રુવને ભગવાન વિષ્ણુની આરાધના કરવા કહ્યું. બાળ ધ્રુવ દ્રઢ નિશ્ચય સાથે વનમાં ચાલ્યો ગયો અને અન્નજળનો ત્યાગ કરી કઠોર તપસ્યા કરી. અંતે વિષ્ણુ સ્વયં પ્રગટ થયા અને તેને અચળ ધ્રુવપદનું વરદાન આપ્યું. આજે પણ આકાશમાં ઉત્તર દિશાએ અચળ રહેતા ધ્રુવ તારાને જાેઈને આપણે આ કથા યાદ કરીએ છીએ.
એવી જ રીતે જ્ઞાન માર્ગમાં અદ્વિતીય સ્થાન રહ્યું છે બાળ અષ્ટાવક્રનું. જેની કથા મહાભારત, રામાયણ અને ઉપનિષદમાં પણ જાેવા મળે છે. કથા અનુસાર ઋષિ ઉદ્દાલક એ પોતાના શ્રેષ્ઠ શિષ્ય કહોડ સાથે પુત્રી સુજાતાના વિવાહ કર્યા. વિવાહ પશ્ચાત અષ્ટાવક્રએ ગર્ભમાં જ પિતા અને નાના પાસેથી જ્ઞાન મેળવી લીધું. એક દિવસ જ્યારે પિતા કહોડ અન્ય શિષ્યોને મંત્રોચ્ચાર શીખવી રહ્યા હતા ત્યારે ભૂલભરેલો ઉચ્ચાર સાંભળી અષ્ટાવક્રએ ગર્ભમાંથી જ ટકોર કરી. બાળક અભિમાની છે એવું માની કહોડ એ તેને આઠે અંગ વાંકા હોવાનો શ્રાપ આપ્યો. જેથી તેનો ‘અષ્ટાવક્ર’ રૂપે જન્મ થયો. બાર વર્ષની વયે જ્યારે તેણે જાણ્યું કે પિતા કહોડ તો રાજા જનકના દરબારમાં શાસ્ત્રાર્થમાં હારી ગયા અને જળસમાધિ લીધી ત્યારે તે સ્વયં દરબારમાં હાજર થયો. બાળ અષ્ટાવક્રએ પિતાને જીવિત પાછા મેળવવાના વચન સાથે શાસ્ત્રાર્થમાં ભાગ લીધો અને વિજયી પણ થયો. વચન અનુસાર રાજા જનકે તેના પિતા કહોડને જળસમાધિમાંથી બહાર લાવી સુપ્રત કર્યા. એટલું જ નહીં બાળ અષ્ટાવક્રના જ્ઞાનને જાેતાં તેને પોતાના ગુરુ પણ બનાવ્યા. ત્યારે અષ્ટાવક્રએ રાજા જનકને આત્મજ્ઞાનરૂપી ‘અષ્ટાવક્ર ગીતા’ આપી. ભક્તિ કે જ્ઞાન માટે ઉંમર નહીં પરંતુ પાત્રતા જરૂરી હોય છે. જેના ઉદાહરણ રૂપ અનેક બાળ ચરિત્રો આપણી સંસ્કૃતિમાં જાેવા મળે છે.