31, મે 2021
રાજપીપલા, નર્મદા જિલ્લામાં કોરોનાની સંભવત ત્રીજી લહેરને અનુલક્ષીને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુ ખાબડે ડેડિયાપાડા તાલુકાની આરોગ્યલક્ષી સુવિધાઓને પ્રાધાન્ય આપીને ૨ કરોડની તમામ ગ્રાન્ટનો આરોગ્યલક્ષી સુવિધાઓ વિકસાવવાના કામોમાં ઉપયોગ કરવા માટે મંજુરીની મહોર મારી છે. ડેડિયાપાડા તાલુકાના કુલ-૦૮ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સેન્ટ્રલી ઓક્સિજન લાઇનથી સજજ કરવાનું આયોજન ઘડી કઢાયુ છે.તેની સાથો સાથ દરેક ને ૫-(પાંચ) જમ્બો ઓક્સિજન સિલિન્ડર લેખે કુલ-૪૦ સિલિન્ડર ફાળવવામાં આવશે.હાલમાં તમામ ઁઉપલબ્ધ ૬ બેડની સુવિધામાં વધુ ૬ બેડનો વધારો કરીને તે બમણી કરાશે, જેમાં ૬ બેડ કોવિડ માટે અને ૬ બેડ નોન કોવિડ માટે ઉપયોગમાં લેવાશે. અને તેના માટે ૦૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૪૦ નવા પલંગ અને દરદીઓના સામાન માટે ૪૦ નવા બેડ સાઇડ-ડ્રોવરની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. તેવી જ રીતે સારવાર માટે દાખલ થયેલ દરદીઓ માટે પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર ખાતે-૨ (બે) મલ્ટીપારા મોનીટર લેખે ઉકત તમામ ૦૮ આરોગ્ય કેન્દ્રોમાં કુલ-૧૬ મલ્ટીપારા મોનીટરની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ મલ્ટીપારા મોનીટરની સહાયથી દરદીનું પલ્સ, ટેમ્પરેચર વગેરેની વિગતો આ મોનીટર લાઇવ દર્શાવશે, જે દરદીઓની ઝડપી સારવારમાં સહાયરૂપ થશે.