સંજેલીના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ન હોવાથી સારવારમાં હાલાકી
31, ઓગ્સ્ટ 2020

દેવગઢબારિયા : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના વહીવટમાં ચાલતી લાલીયાવાડીના કારણે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાઠીયા સમાન હોવાનું અને ગામમાં સરકારી દવાખાનું હોવા છતાં ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જઈ સારવાર કરાવવી ગજાબહાર વેતરાવા મજબૂર થવું પડતું હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. બે દિવસ અગાઉ સંજેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રાત્રી દરમિયાન ચાલતી લાલીયાવાડી બહાર આવવા પામી છે. જેમાં બે દિવસ અગાઉ સાંજના ૭ઃ૦૦ વાગ્યાના સુમારે રાઠોડના ડુંગરપુર ગામની સિકલસેલની બિમારી થી પીડાતી ૧૮ વર્ષીય કિશોરીને સારવાર માટે સંજેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી. તે સમયે દવાખાનાનો સ્ટાફ દવાખાનાને રામભરોસે મૂકી હોઈ તેમ દવાખાનાનો કોઈપણ સ્ટાફ હાજર ન હતો. જેથી આ કિશોરીના પરિવારજનો દ્વારા દવાખાનાની બાજુમાં આવેલ દવાખાનાના સ્ટાફ કવોટર્સમાં રહેતી નર્સને બોલાવવામાં આવી હતી. પરંતુ નર્સ પણ પોતાની કાયમની આદત પ્રમાણે અડધો કલાક પછી આવી હતી અને ઈન્જેક્શન મૂક્યા બાદ જતા જતાં તે કહેતી ગઈ હતી કે રાત્રિના સમયે કેમ સારવાર કરાવવા આવો છો ? ડોક્ટર સાહેબ એક કલાક પછી આવશે. આ બાજુ સિકલસેલની બીમારીથી પીડિત કિશોરીને અસહ્ય દુખાવો થતાં દુખાવો એટલો અસહ્ય થઈ ગયો હતો. તે કિશોરીના પરિવારજનોએ ડોકટરની રાહ જોયા વગર આખરે સારવાર માટે કિશોરીને સંજેલીખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવા મજબૂર થવું પડ્યું હતું.લોકોનું કહેવું છે કે આવી ઘટના એક વખત નહીં અનેક વખત બની છે. સંજેલી સી.એચ.સી ખાતે ડોક્ટરને રહેવા માટે સુવિધા આપવામાં આવી છે. તેમ છતાં ડોક્ટર રાત્રે હાજર રહેતો નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution