સુરત-

માતા-પિતા બાળકોના સારા ભવિષ્ય માટે જમીન આસમાન એક કરી દે છે. પેટે પાટા બાંધીને પણ પોતાના બાળકોનું સારું ભવિષ્ય બનાવવા દિવસ સાત મહેનત કરે છે. પરંતુ ત્યાર બાદ આ જ બાળકો વૃદ્ધા વસ્થામા માતા પિતાનો સાથ છોડી દેતા હોય છે. અને સંપત્તિ વહાલી થઇ જતી હોય છે. આવી જ ઘટના સુરતનાં અડાજણ વિસ્તારમાં બની છે. એક જ્યાં સંપત્તિની લાલચમાં પુત્રોએ માતાને ગાંડી છે કહીને મારઝુડ કરીને ત્રાસ આપ્યો હતો અને સાથે જ સંપત્તિના કાગળ પર સહી પણ કરાવી દીધી હતી. જેથી માતાએ બંને પુત્રો અને પુત્રવધુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અડાજણ ખાતે રાજહંસ એપલમાં રહેતા ૬૦ વર્ષના વિધવા હિનાબેન અરવિંદભાઇ સિદ્ધપુરાને બે દીકરા હિરેન અને રૂપીન તથા દિકરી સોનલ છે. સોનલ સાસરે મુંબઇમાં રહે છે. હિનાબેનના પતિ અરવિંદભાઇનું બે વર્ષ પહેલા અવસાન થયા બાદ દીકરા હિરેન તથા રૂપીને થોડા સમય સારી રીતે માતાને રાખ્યા હતા. પિતાના મૃત્યુ બાદ છેલ્લા દોઢ વર્ષથી સગી માતાને ‘તું ગાંડી છે’ એમ કહી મારઝુડ કરી ત્રાસ આપતા હતા. પિતાએ વસાવેલી મિલકત પર માતાની સહી મેળવી લીધી હતી. તે વેચી દીધા બાદ દીકરા હિરેન, પુત્રવધુ મિતલ, પુત્ર રૂપીન અને પુત્રવધુ રીયાએ પોતાની અસલી રૂપ બતાવ્યું હતું. 

પુત્ર અને પુત્રવધુને માતા બોજ સમાન લાગતી હોવાથી હેરાન કરવા લાગ્યા હતા. વૃદ્ધ માતા પાસે ઘરકામ કરાવવા ઉપરાંત તેમને ‘તું ગાંડી છે’ એમ કહીને માનસિક ત્રાસ આપતા હતા. તો વળી બે ટંક પૂરૂ ભોજન પણ મળતું ન હતું. માતાએ બંને પુત્ર અને પુત્રવધુઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ત્યાં હાજર પોલીસકર્મીઓ પણ ભાવુક થઇ ગયા હતા. હાલ સોનલ પોતાની માતાને લઇને મુંબઇ ચાલી ગઈ હોવાનું જાણવા મળે છે.