આકસ્મિક સંજોગોમાં નાગરિકોની જીંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા: નીતિન પટેલ
02, જુન 2021

ગાંધીનગર-

આજે ગાંધીનગર ખાતે નવી પચીસ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે, આકસ્મિક સંજોગોમાં નાગરિકોને ત્વરિત આરોગ્ય સારવાર આપવી. તે સમયે દેશભરમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં વર્ષ ૨૦૦૭માં સાત ૧૦૮ એમ્બ્યુલન્સથી શરૂ કરેલી સેવાઓમાં ઉત્તરોતર વધારો રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. આજે ૧૦૮ની આઠસો એમ્બ્યુલન્સ સેવા રાજ્યભરમાં કાર્યરત છે. આ ઉપરાંત આગામી બે-ત્રણ માસમાં નવી પંચોતેર ૧૦૮ એમ્બ્યુલન્સ વાન સુવિધા નાગરિકો માટે કાર્યાન્વિત કરાશે.

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી જીંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા છે. જેના પરિણામે આજે રાજ્યમાં ૮૦૦થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનની સેવાઓ કાર્યરત છે. ડબલ્યુએચઓના ધોરણો મુજબ દર એક લાખની વસ્તીએ ૧૦૮ જેવી એક એમ્બ્યુલન્સની સેવા જોઇએ. તે મુજબ રાજ્યમાં ૬૫૦ એમ્બ્યુલન્સ હોવી જોઇએ. તેની સામે ગુજરાતમાં ૮૦૦થી વધુ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે અમારી નાગરિકોની જીંદગી બચાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

તેમણે જણાવ્યુ હતું કે, દર્દીઓને વધુ સારી સારવાર મળી રહે તે માટે ૨૦૦ એમ્બ્યુલન્સ વાનમાં વેન્ટિલેટર સહિત મોનિટર અને અન્ય આનુષાંગિક સાધનો સાથે સુસજ્જ છે. તેમણે ઉમેર્યું કે, ૧૦૮ એમ્બ્યુલન્સ વાન દ્વારા 1.22 કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડાયા છે એટલું જ નહીં ૧.૨૦ લાખથી વધુ મહિલાઓની પ્રસૂતિ પણ આ વાનમાં કરાઈ છે. કોરોનામાં દર્દી પાસે જતાં પરિવારના સભ્યો પણ ડરતા હતા, તે સમયે ૧૦૮ની સમગ્ર ટીમ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ૨.૧૫ લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરી છે. એટલું જ નહીં હોસ્પિટલમાં દર્દીઓને પથારી મળે ત્યાં સુધી બે-ચાર કલાક સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં જ ઓક્સિજન સુવિધાઓ પૂરી પાડીને નાગરિકોની જિંદગી બચાવવા માટેના પ્રયાસો કરાયા છે. આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણી, આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ૧૦૮ ઈમરજન્સી સેવાના સીઈઓ જશવંત ગાંધી સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution