દિલ્હી-

કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના તંત્ર અને તેની સંપત્તિ પર અધિકાર અંગે સુપ્રીમ કોર્ટ સોમવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ પહેલા ન્યાયમૂર્તિ યૂયૂ લલિત અને ન્યાયમૂર્તિ ઈંદુ મલ્હોત્રાની પીઠે આ મામલે જોડાયેલી અરજી પર ગત્ત વર્ષ 10 એપ્રિલના તેમનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેરળના ઐતિહાસિક પદ્મનાભસ્વામી મંદિરના મેનેજમેન્ટમાં ત્રાવણકોરનો શાહી પરિવાર સત્તા જાળવશે. અદાલતે કહ્યું કે, તિરુવનંતપુરુમના જિલ્લા ન્યાયાધીશ વહીવટી સમિતિની અધ્યક્ષતા કરશે. આ સમિતિ પદ્મનાભસ્વામી મંદિર સાથે જોડાયેલ મામલાનું સંચાલન કરશે.

આ બાબતે 31 જાન્યુઆરી 2011ના કેરળ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને મંદિરનાં પ્રશાસન પર નિયંત્રણ માટે એક ટ્રસ્ટની નિમણૂક કરવાનો નિર્દેશ કર્યો હતો જે મંદિરની સંપત્તિ અને પ્રશાસનને પરંપરા અનુસાર સંભાળે. જોકે સુપ્રીમ કોર્ટે બીજી મે 2011ના રોજ મંદિરની સંપત્તિ અને પ્રબંધનને નિયંત્રણના હાઈકોર્ટના નિર્દેશ પર સ્ટે આપ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને મંદિરની તિજોરી(વૉલ્ટ એ થી એફ સુધી)માં રહેલી વસ્તુઓ, આભૂષણો અને મૂલ્યવાન રત્નોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો જેમાંથી વૉલ્ટ-બીને સુપ્રીમ કોર્ટની મંજૂર વગર નહીં ખોલવાનું સૂચન કર્યું હતું.2011માં સુપ્રીમ કોર્ટના આદેશ પર પાંચ તિજોરીઓ (વૉલ્ટ) ખોલવામાં આવ્યા જેમાં એક લાખ કરોડ રૂપિયાની સંપત્તિ રહેલી હતી, આમાં મૂલ્યવાન આભૂષણો, હથિયારો, વાસણો અને સિક્કા સામેલ હતા.