રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલા ઉપલેટાની એક એમપીઇડીની વિદ્યાર્થિનીએ પ્રોફેસર વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ સામે જાતીય સતામણી અંગેની અરજી કરી હતી. આ અરજીને ધ્યાને રાખીને કુલપતિ દ્વારા બંને પ્રોફેસર અને એક પ્લેસમેન્ટ ક્લાર્ક પૃથ્વીરાજસિંહ રાણાને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે. આ ત્રણેય શારીરિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હતા. વિદ્યાર્થિનીએ બે પ્રોફેસરો વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ અંગેની અરજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરી હતી. અગાઉ પણ કુલપતિએ બંને પ્રોફેસરોને યુનિવર્સિટી કેમ્પસમાં ૧૫ દિવસ સુધી પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી.

કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, કંઇ પણ ફરિયાદ કે અરજી આવે તેને અમે આંતરિક નિવારણ સમિતિને મોકલીએ છીએ. આ ફરિયાદના આધારે કરાર આધારિત બે પ્રોફેસર અને ક્લાર્કને તપાસ દરમિયાન નિશ્ચિત નિર્ણય ન કરી શકીએ ત્યાં સુધી યુનિવર્સિટીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે ફરિયાદ મળતી હોય તેની તપાસ થવી જરૂરી હોય છે. યુનિવર્સિટીની જુદી જુદી સમિતિઓ આ તપાસ કરતી હોય છે. રેગિંગ હોય તો તેના સંદર્ભમાં, સેક્્યુઅર હેરસમેન્ટ હોય તો તેના સંદર્ભમાં તપાસ થતી હોય છે. તપાસ સમિતિ જે રીતે અમને અહેવાલ આપે છે તે સક્ષમ મંડળમાં આ વાત મુકાય છે અને ત્યાં આ અંગે નિર્ણય લેવામાં આવે છે.