કોલકાત્તા-

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના ઝંપલાવશે નહીં. શિવસેનાના નેતા સંજય રાઉતે એક ટિ્‌વટ કરી જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા બાદ આ મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બંગાળની સિંહણ ગણાવતાં સંજય રાઉતે લખ્યું કે, શિવસેના એકજુથ થઇને તેમની સાથે ઊભી છે.

સંજય રાઉતે ટિ્‌વટમાં લખ્યું કે, શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે આ મામલે થયેલી મહત્વની બેઠકમાં ર્નિણય લેવાયો છે. ચિત્ર સ્પષ્ટ છે કે, પશ્ચિમ બંગાળમાં દીદી વિરુદ્ધ તમામની લડાઇ છે. તમામ વિરોધી પાર્ટીઓ મની, મસલ અને મીડિયાને મમતા દીદી વિરુદ્ધ ઉપયોગ કરી રહી છે. આ જાેતાં શિવસેનાએ ર્નિણય લીધો છે કે, તે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નહીં લડે.

શિવસેનાના નેતા સંજય રાઉતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વખાણ કરતાં લખ્યું કે, અમને વિશ્વાસ છે કે સાચા અર્થમાં તે બંગાળની સિંહણ છે. શિવસેના આ લડાઇમાં દીદી સાથે છે. અમે તેમની મોટી સફળતાની આશા કરીએ છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે. મતદાન ૨૭ માર્ચ, ૧ એપ્રિલ, ૬ એપ્રિલ, ૧૦ એપ્રિલ, ૧૭ એપ્રિલ, ૨૨ એપ્રિલ, ૨૬ એપ્રિલ અને ૨૯ એપ્રિલે યોજાશે. જ્યારે મતગણતરી બીજી મેના રોજ કરાશે.