ગાંધીનગર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાય શકે તેવી ચર્ચાઓએ જાેર પકડ્યું છે. આ ચર્ચાઓને આધારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંભવતઃ જૂન મહિનામાં યોજાઈ શકે છે. જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ વારાફરતી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમજ ભાજપના સંગઠન દ્વારા પણ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.તાજેતરમાં દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પંજાબ સિવાયના ચાર રાજ્યોમાં ભાજપને બહુમતી મળતા સરકાર બનાવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં આવનાર છે. તો ચાર રાજયોના ચૂંટણી પરિણામને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ગુજરાતમાં પણ આ માહોલનો લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. જેના કારણે કેટલાક રાજકીય આગેવાનો એવું માની રહ્યા છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. આ સંજાેગોમાં બે દિવસ અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા કાર્યકરોની એક બેઠકમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૨૧ અને ૨૨ એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તા. ૨૧મીએ દાહોદ ખાતેની જનસભાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું રણશિંગુ ફૂકશે. ત્યાર બાદ તા. ૨૨ મીના રોજ ઉત્તર ગુજરાતમાં મહિલા સંમેલન યોજવામાં આવશે. આ પછી વાદપ્રધાન સીધા ચૂંટણી પ્રચારમાં ગુજરાત આવશે તેવા સંકેતો આપવામાં આવ્યા હતા. જેના લીધે કેટલાક રાજકીય આગેવાનો રાજયમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવે તેવી ગણતરી કરી રહ્યા છે.