લખનૌ-

ચીકની ચમેલી, છૂપ કે અકેલી પૌવા ચઢા કે આઈ, આવું ગીત ગાતી કેટરીનાને તમે જોઈ હશે. આ ગીતમાં પૌવા શબ્દનો અર્થ આખી બોટલના ચોથા ભાગ જેટલો દેશી દારૂ સમાય એટલી નાની બોટલ થાય છે. ગુજરાતમાં આવી નાની દારૂની બોટલને સામાન્ય કે અભણ માણસ કોટરીયું (ક્વાર્ટર-ચોથાભાગની) કહે છે. ઉત્તર પ્રદેશમાં પૌવાનો અર્થ દેશી દારૂ ભરેલી આવી નાની બાટલી એવો થાય છે. આવી નાની બાટલીએ હવે અહીંના અર્થતંત્રને ટેકો આપવા માટે બહુ મોટું કામ કર્યું છે. ખાસ કરીને સરકારે અહીં ગેરકાયદે દારૂ વેચતા લોકો પર દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે, ત્યારબાદ હવે આ પૌવાનું વેચાણ એટલા મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયું છે કે રાજ્યને તેના વેચાણથી ખૂબ મોટા પ્રમાણમાં આબકારી જકાતની આવક થાય છે.

ઉત્તર પ્રદેશમાં દેશી દારૂ હંમેશા આ એક જ પેકીંગ (180 મિલી) એટલે કે પૌવા પેકીંગ કે કોટરીયામાં જ મળે છે, લીટર કે અડધો લીટરમાં નહીં. રાજ્યમાં ગંગાકિનારાના વિસ્તારોમાં લઠ્ઠા જેવા હલકી ગુણવત્તાના દેશીદારૂ ગાળીને તગડો નફો રળી લેતા બૂટલેગરોને રાજ્ય સરકાર દ્વારા ભારે ભીંસમાં લેવાયા છે અને તેઓ હવે પોતાના ધંધામાં ફાવતા નથી. 

આવી કાર્યવાહીને પગલે ફાયદો એ થયો છે કે, રાજ્યમાં હવે પૌવાનું વેચાણ ધૂમ થાય છે. ક્યારેક મહિને દિવસે જેનું વેચાણ 35 લાખ પેટી કે કાર્ટન થતું હતું તેનું વેચાણ હવે વધીને 65 લાખ પેટી થઈ ગયું છે. આવી એક પેટીમાં 50 પૌવા આવે છે, અને એક પૌવાનો ભાવ 65 રૂપિયા છે.

એકાએક આ પૌવાનું વેચાણ વધી ગયાથી રાજ્યને તેના વેચાણમાંથી થતી આવકમાં 127 ટકાનો વધારો થઈ ગયો છે, અને અર્થતંત્રને બહુ મોટો ટેકો મળી ગયો છે. ગયા જાન્યુઆરીમાં જે આવક માત્ર 1694 કરોડ રૂપિયા થતી હતી એ હવે એકાએક વધીને ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં 3472 કરોડની થઈ ગઈ છે. આમ, રાજ્યના અર્થતંત્રને દારૂના વેચાણથી ઘણો મોટો ટેકો મળે છે અને તેમાં આ નાની સાઈઝના પાઈન્ટ એટલે કે પૌવા નફો રળી આપવામાં મોટો ભાગ ભજવી રહ્યા છે. 

પૌવાના વેચાણમાં રાજ્યભરમાં એકાએક આવો ઉછાળો આવી ગયાનું કારણ સમજાવતાં રાજ્યના આબકારીખાતાના મહાસચિવ સંજય ભૂસરેડ્ડીએ જણાવ્યું હતું કે, અમે મોટી સંખ્યામાં દરોડા પાડીને લઠ્ઠો ગાળતા કે ગેરકાયદે દારૂ ગાળતા બૂટલેગરોને અટકાવી દીધા હોવાને કારણે હવે આ પૌવાનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે, જેનો રાજ્યના અર્થતંત્રને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે.

બ્રિટિશ શાસનથી ગંગા, યમુનાના કિનારાના અને તેરાઈના વિસ્તારો ગેરકાનૂની અને લઠ્ઠા પ્રકારના જોખમી દારૂ ગાળનારાઓ માટે મોકળું મેદાન છે અને તેઓ બોટમાં દારૂની હેરફેર કરીને તગડો નફો પણ કમાય છે. પણ ભૂસરેડ્ડીના જણાવ્યાનુસાર હવે એ પ્રકારના દેશી દારૂ ગાળતા માફીયાઓનો ધંધો બંધ કરાવી દેતાં રાજ્યને હવે મોટા પ્રમાણમાં ફાયદો થાય છે અને પૌવાનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે. લોકડાઉન સમયગાળા દરમિયાન વળી આ જ દેશીદારૂના લાયસન્સધારકો પાસે સરકારે સેનિટાઈઝરો બનાવવાનો વ્યવસાય શરૂ કરાવ્યો હતો, જેનો પરસ્પર લાભ થયો હતો. આ સેનિટાઈઝર્સને અન્ય રાજ્યોમાં પણ મોકલીને સરકારે સારા પ્રમાણમાં આવક મેળવી હતી.