કોંગ્રેસના પૂર્વ સાંસદના ઘરે ત્રાટક્યો તસ્કરોઃ 30.70 લાખની ચોરી
09, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

કોંગ્રેસના પૂર્વ યોગેન્દ્ર મકવાણાના પુત્ર ભરત મકવાણાના થલતેજ હેબતપુર રોડ પર આવેલા લાલ બગલોમાંથી રૂ.૩૦.૭૦ લાખની મત્તાના દાગીના અને રોકડ રકમની ચોરી થવા પામી છે.ભરત મકવાણા પરીવાર સાથે ૧૭ દીવસ અગાઉ અમેરિકા ફરવા ગયા છે.

બંગલોમાંથી ચોરી થયા બાદ હાજર હાઉસ સ્ટાફમાંથી દેવીલાલ નામનો નોકર ૫ દીવસથી ગાયબ થઈ ગયો છે. સોલા પોલીસે ગણેશ હાઉસીંગના ટ્રેઝરી મેનેજર રીશીતભાઈની ફરિયાદ આધારે મંગળવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરતભાઈ આઈએએસ અનુરાધા મલ્લના ભાઈ અને વિનોદ મલ્લના સાળા તેમજ ગણેશ હાઉસીંગ પરિવારના જમાઈ થાય છે.

થલતેજ હેબતપુર રોડ પર સાંગરીલા બંગલોના ઝાંપા પાસે આવેલા લાલ બંગલોમાં રહેતાં પૂર્વ એમપી યોગેન્દ્ર મકવાણાના પુત્ર ભરત મકવાણા તેમના પત્ની રીટાબહેન, પુત્ર ક્રિષ્ના અને પુત્રી અદીતી સાથે ગત તા.૨૩,ઓગષ્ટના રોજ અમેરીકા ફરવા માટે ગયા હતાં.

રીટાબહેનના કુટુંબી ભાણેજ રીશીત રાજેન્દ્ર પટેલ કે જેઓ ગણેશ હાઉસીંગમાં ટ્રેઝરી મેનેજર તરીકે ફરજ બજાવે છે. રીશીતભાઈને ડ્રાઈવર મેહબુબભાઈએ મંગળવારે ફોન કરી રીટાબહેનના ઘરે ચોરી થયાની જાણ કરી હતી.

રીશીતભાઈ સ્થળ પર જઈ તપાસ કરતા રીટાબહેનના બંગલાના પહેલા માળે આવેલા માસ્ટર બેડ રૂમ અને ચિલ્ડ્રન રૂમના બારીની ગ્રીલ તોડી કાચ કાઢેલા હતા. માસ્ટર રૂમના કબાટના ડ્રોવરના લોક તૂટેલા અને સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો. ધાતુની નાની તિજાેરી બાથરૂમમાં તૂટેલી પડેલી હતી. તસ્કરો હિરાના દાગીના,ઘડીયાળો, રોકડ રૂ.૭૦ હજાર મળી કુલ રૂ ૩૦.૭૦ લાખની મતા ચોરી ગયા હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution