વડોદરા : રાષ્ટ્રિય સુરક્ષાને લગતો ગંભીર કેસ હોવા છતાં શહેર પોલીસ બેદરકાર રહી નેકે વ્યવહાર કરીને ખાસ કોઇ માહિતી મેળવી શકી નહી હોવાથી ભારે બદનામી થઇ રહી છે. ધર્માન્તરના કૌભાંડને શોધી કાઢી યુપી એ.ટી.એસ.એ અત્રે આવી આફમી ટ્રસ્ટના સલાઉદ્દીનની ધરપકડ કરી હતી. બાદમાં શહેર પોલીસે પણ આખુ હવાલા નેટવર્ક અને કૌભાંડ શોેધી કાઢ્યું હોવાનું જણાવી ગંભીર પ્રકારની ફરિયાદ નોંધી ૧૫૦ ઉપરાંત લોકોની લાંબા સમય સુધી પુછપરછ કરી હતી અને સલાઉદ્દીનનુ ટ્રાન્સફર વોરંટ મેળવી ટીમને કબજાે લેવા યુપી મોકલી હતી પરંતુ ખાલી હાથે પાછુ ફરવું પડ્યું હતું.મહત્વની વાતતો એ છે કે, રાષ્ટ્રીય સુરક્ષાના મામલાની ફરિયાદની દુહાઇ આપી તપાસ અંગેની વિગતો બહાર નહીં આપતી પોલીસે કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાના આરોપ લાગી રહ્યા છે. આફમી ટ્રસ્ટ સાથે સંકળાયેલા અનેક લોકોને એસ.ઓ.જી. ખાતે મહિના ઉપરાંતના સમય સુધી સવારથી સાંજ બેસાડી રાખી પુછપરછ કરવામાં આવી હતી. અને કેટલાક બિલ્ડરો, મોટા વ્યાપારીઓને દમ મારીને કડક પુછપરછમાંથી દુર થવા મોટો વ્યવહાર કરાયો હોવાની ચર્ચાએ ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં જાેર પકડ્યું છે.

બીજી તરફ શહેર પોલીસ દ્વારા આંગડીયા પેઢીના સંચાલકો સહિત અનેકને પુછપરછના બહાને દમ મારવામાં આવતાં શહેર પોલીસની આવી કાર્યવાહીની ફરિયાદ આઇ.બી.સુધી પહોંચી હતી અને આઇ.બી.એ પણ હવે આ મામલે શહેર પોલીસને વધુ ઇનપુટ આપવાનું બંધ કરી કાર્યવાહીની આલોચના કરી હતી. અને ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોર્યું હતું. મોટુ નેટવર્ક અને હવાલા કૌભાંડની જાહેરાત કરી શહેર પોલીસે કરેલી કાર્યવાહીમાં આફમી ટ્રસ્ટના સામાન્ય કર્મચારીની જ પોલીસે ધરપકડ કરી છે જ્યારે ટ્રસ્ટ દ્વારા અનેક ગેરરીતી આચરી હોવાની માહિતી પોલીસે જાહેર કરી હોવા છતાં આજદીન સુધી એક પણ ટ્રસ્ટી કે મોટામાથાની ધરપકડ તો શુ અટકાયત પણ નહી કરાયા સમગ્ર કાર્યવાહી શંકાના ઘેરામાં આવી છે.

મહત્વની વાતતો એ છે કે, અત્રે ફરિયાદ નોંધ્યા બાદ અદાલતમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યા બાદ સલાઉદ્દીનનો કબજાે મેળવવા માટે યુ.પી.ખાતે ગયેલી ટીમને ૧૦ દિવસ બાદ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. એવાતને પણ લાંબો સમય થઇ ગયો હોવા છતાં ભેદી કારણોસર અત્યંત ગંભીર કહેવાતા મામલામાં પોલીસની તપાસ આગળ નહીં વધતાં અનેક સવાલો ઉભા થયા છે.

૧૦૦ ઉપરાંતની પુછપરછ છતાં માત્ર ૧ની ધરપકડ

વડોદરા ઃ સલ્લાઉદ્દીનના મામલામાં એસ.ઓ.જી. ખાતે ફરિયાદ બાદ શહેરના અનેક નામી અને મોટા માથાઓ ઉપરાંત આફમી ટ્રસ્ટ સાથે સંકળાયેલા અને સલ્લાઉદ્દીન સાથે મોટા નાણાંકીય વ્યવહાર કરનારાઓને પુછપરછ માટે બોલાવ્યા હતા એમ મહીના સુધી ૧૦૦ ઉપરાંત લોકોની સવારથી સાંજ પુછપરછ છતાં ટ્રસ્ટના સામાન્ય કર્મચારીની ધરપકડથી પોલીસે સંતોષ માનવો પડયો હતો. જયારે બીજી અનેકને વ્યવહાર કરી જવા દેવાયા હોવાનું કહેવાય છે.