24, ફેબ્રુઆરી 2021
બનાસકાંઠા-
જેની સાથે તમે સાથે જીવવા મરવાના કોલ આપ્યા હોય અને એની સાથે તમારા લગ્ન કરવાની પરિવારજનો ન કહે તો તેમના પર દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે. અને આવી સ્થતિમાં પ્રેમી પંખીડા કંઈ પણ વિચાર્યા વગર જ આત્મહત્યા કરવાનું નક્કી કરી લેતા હોય છે. ત્યારે આવું જ કાંઈક આવું દિયોદરમાં બન્યું છે. જ્યાં સમાજ પ્રેમમાં અડચણરૂપ બની એક નહીં થવા દે તેવું વિચારી યુવક યુવતીએ સજાડે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના દિયોદર તાલુકાના જાડા ગામે રહેતો શ્રવણ જોરાજી ઠાકોર અને ગામમાં રહેતી નર્મદાબેન અનુપજી ઠાકોર વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, આ બન્ને એક જ ગામમાં રહેતા હોવાથી સમાજના રીતરિવાજ પ્રમાણે લગ્ન શક્ય નહોતા. સમાજના બંધનો સાથે સાથે જીવન જીવવાનું શક્ય નહી લાગતા આ બન્ને યુવક અને યુવતીએ મંગળવારના રોજ નોખા નર્મદા કેનાલમાં ઝપલાવ્યું હતું. કેનાલમાં બે મૃતદેહ હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ અંગે પોલીસને જાણ કરતા દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ બન્ને મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપામાં બન્નેએ પ્રેમસંબંધમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે એક સુસાઇડ નોટ પણ કબ્જે કરી છે. જેમાં લખ્યું છે. સોરી મમ્મી પપ્પા હું તમને છોડી ને જાઉં છું કારણ કે હું મારી પ્રેમિકા વગર રહી શકું તેમ નથી અને મારી પ્રેમિકા પણ મારા વગર રહી શકે તેમ નથી. અમે બંને જણ બધાને છોડીને જઈ રહ્યા છીએ. અમે બંને જણ સાથે રહ્યા નથી પણ અમારા અગ્નિસંસ્કાર સાથે થાય તેવા પ્રયત્નો કરજો. મંગળવારે દિયોદર તાલુકાના નોખા નર્મદા કેનાલમાં પ્રેમી યુગલે ઝંપલાવી મોતને વ્હાલું કરી તે પહેલાં સ્યુસાઇડ નોટ મૂકી હતી. જે પોલીસને હાથ લાગી છે.