તમારા મિત્રોના એકધારા મેસેજ, પીક્સ અને વિડિયો ક્લીપ્સ જુઓ ન જુઓ ત્યાં તો બેટરી અડધી થઈ જાય છે, અને ત્યારબાદ કોઈ ફાસ્ટ ફ્રેન્ડના કોલ્સ લાંબા ચાલે ત્યારે અધવચ્ચેથી જ બેટરી તળીયું બતાવવા માંડે છે. તમે આવી હાલતથી પરેશાન હોવ તો આજે તમારી પરેશાનીના ઉકેલની જ વાત કરવી છે.

આજકાલ ખુબ ઠંડી પડે એવો કોલ્ડ ડે હોય ત્યારે તમે સવાર-સવારમાં તમારી હથેળીઓને ઘસો છો તો એટલાથી કામ ચાલી જાય છે ને. બસ, આવનારા દિવસોમાં તમે તમારો મોબાઈલ પણ કંઈક આ રીતે જ ચાર્જ કરી શકશો. એવા મોબાઈલમાં બેટરી હશે જ નહીં અને તેને બદલે તેમાં સ્માર્ટ મટીરીયલ્સ પૈકીનું એક પાતળા લાંબા રેસા જેવું પાયઝોઈલેક્ટ્રીક મટીરીયલ હશે. આવા પાયઝોઈલેક્ટ્રીક મટીરીયલની સાથે તમે તમારો ફોન રાખશો એટલે એ એની મેળે ચાર્જ થઈ શકશે.

દોરામાંથી વીજળી પેદા કરતું મટીરીયલ


માન્યામાં નથી આવતું ને? પણ તમારા ઘરમાં પાવર ચાલ્યો ગયો હોવા છતાં, હવે આજકાલ ફેન કે લાઈટ્‌સ સોલાર પેનલથી ચાલે જ છે, એને તો માનો છો, ને ! એ પણ ક્યાં મનાય એવું છે. આખો દિવસ સૂર્યપ્રકાશ પડતો રહે અને તમને મફતમાં વીજળી મળે. આમ, સૂર્યના કિરણો તેના પર પડે, અને સિલિકોનની ચીપ તમને વીજળી પેદા કરી આપે, એ પણ તો એક અચરજ છે. તો આપણી પેલી પાયઝોઈલેક્ટ્રીક મટીરીયલ વાળી વાત પણ કૈંક આવી જ અચરજકારી છે. કુદરતે માનવીને જે કંઈ ખજાનાનો ભંડાર ભરેલી પૃથ્વી આપી છે તેમાં એવાં તો કેટલાય સ્માર્ટ મટીરીયલ્સ છે, જેના વિશે તમને કહીએ તો તમે માની પણ ન શકો. પણ એવા સ્માર્ટ મટીરીયલ્સની કથા લાંબી ચાલે એમ હોઈ આજે આપણી વાત પાયઝોઈલેક્ટ્રીક મટીરીયલ્સ પૂરતી સિમિત રાખીએ. તેના સિક્વલ્સની વાત ફરી ક્યારેક.


તો વાત એ છે કે, તમારા જીન્સના ખિસ્સામાં વધારાના દોરા ઘણી વખત હોય છે. આવા જ કેટલાંક દોરાને ઘસવાથી ઈલેક્ટ્રીક કરન્ટ પેદા કરી શકાશે. એટલું જ નહીં, આ કરન્ટને સરકીટમાં લઈ જઈને વાપરી પણ શકાશે. આમ, દિવસો એવા આવશે કે, તમારે ફોનની બેટરી ખતમ થઈ જશે એ બાબતની ચિંતા કરવી નહીં પડે. ગમે ત્યાં ગમે તેટલીવાર તમે નજીવી પ્રોસેસ કરીને ફોન ચલાવી શકશો. આમ આવા ફોનમાં છેવટે બેટરીની પણ કોઈ જરુર રહેવાની નથી. એટલે કે, તમે બેટરીને બાય કહી શકો એ દિવસો હવે દૂર નથી. અહીં વાચકને ટાઢા પહોરના સંભળાવવાનો કોઈ ઈરાદો નથી.આવું કઈ રીતે બનવાનું છે, એ પણ વાંચો.

ડિવાઈસ કેવી રીતે કામ કરશે


 પાયઝોઈલેક્ટ્રીક મટીરીયલ્સ એ કંઈ નવી વાત નથી, પણ તેમના દ્વારા કોઈ કામ કરવા માટે પૂરતી વીજળી ઉત્પન્ન કરી શકાય એ નવી વાત છે. આજકાલ, આવા મોટાભાગના મટીરીયલ્સ થોડાંક માઈક્રોવોટ્‌સ વીજળી ઉત્પન્ન કરે છે. માઈક્રોવોટ સાંભળીને ગૂંચવાડો થાય તો, સમજાે કે, એક એલઈડી લાઈટ બલ્બને ૮૦ લાખ માઈક્રોવોટ્‌સ (એટલે કે ૮ વોટ્‌સ-) વીજળી જાેઈએ. એક આગીયાથી રસ્તો દેખાય એમ કહેવું વધારે પડતું છે, પણ નાની કાચની ડબ્બીમાં સો આગિયા ભરીએ તો આખી ડબ્બી જરુર ઝગમગી ઊઠે એવી આ વાત છે. વળી, હાલ સુધી સિરામિક જેવા પાયઝોઈલેક્ટ્રીક મટીરીયલ્સ વપરાશ દરમિયાન તૂટી જતા હતા, તેને બદલે હવે નવા મટીરીયલ્સ બનાવવામાં આવી રહ્યા છે, જે તૂટશે નહીં અને સતત વીજળી પેદા કરશે.

ઈંગ્લેન્ડના કમાલ અસદીની કમાલ !

ઈંગ્લેન્ડની બાથ યુનિવર્સિટીના ભૌતિક વિજ્ઞાની કમલ અસદીએ એક એવું ખિસ્સું બનાવ્યું છે, જેમાં મોબાઈલ મૂકશો તો આપોઆપ રીચાર્જ થઈ જશે. વળી તેમાં પાયઝોઈલેક્ટ્રીક મટીરીયલ તરીકે તૂટી જાય એવું સિરેમિક્સ નહીં પણ રફ એન્ડ ટફ મટીરીયલ નાયલોન વપરાશે. આમ, તો નાયલોનના બધા પ્રકારો કંઈ ઈલેક્ટ્રીસીટી પેદા નથી કરતા પણ ખાસ પ્રકારનું નાયલોન જાે બનાવાય તો તેમાંથી વીજળી પેદા થાય છે. કમલ અસદી કહે છે કે, ખાસ પ્રકારના જલદ એસિડ અને એસિટોન નામના કેમિકલ સાથેની પ્રક્રિયા બાદ સ્ફટીકીય મટીરીયલમાંથી જાે નાયલોન બનાવાય તો તેમાંથી બનતું નાયલોન પાયઝોઈલેક્ટ્રીક મટીરીયલ બને છે, જે સહેલાઈથી ઈલેક્ટ્રીસીટી પેદા કરે છે. અસદી અને તેમની ટીમે આવું મટીરીયલ બનાવીને હથેળી પર મૂકીને વીજળી પેદા કરી બતાવી હતી. તેમની આ શોધની નોંધ એડવાન્સ્ડ ફંક્શનલ મટીરીયલ્સ નામની જર્નલમાં લેવાઈ છે.

આ શોધ પર આગળ કામ કરીને હવે એવી ડિવાઈસ શોધાય છે, જે નજીવી હિલચાલથી તમારો મોબાઈલ ચાર્જ કરી આપે. આમ, નજીકના ભવિષ્યમાં જ તમે ખિસ્સામાં કે હાથમાં મોબાઈલ રાખીને તેને ચાર્જ કરી શકશો અને તમને તેની બેટરીની જરુર જ નહીં પડે. પછી તમે જરુરથી કહી શકશો, બાય બાય બેટરી!

લેખકઃ વિજય યાજ્ઞિક