દિલ્હી-

મૂળ ભારતીય કૂળના વિખ્યાત કેળવણીકાર શ્રીકાંત દાતારને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૧૨ વર્ષથી ચાલતી આ બિઝનેસ સ્કૂલ જગપ્રસિદ્ધ છે. આ સ્કૂલના વર્તમાન ડીન નીતિન નોહરિયા પણ મૂળ ભારતીય છે.

શ્રીકાંત દાતારની નિયુક્તિ થતાં એ આ પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલના ડીન હોય એવા બીજા ભારતીય બની રહ્યા હતા. સૌથી રસપ્રદ વાત એ હતી કે દાતાર અમદાવાદની આઇઆઇએમના વિદ્યાર્થી હતા. 2021ના જાન્યુઆરીની પહેલીથી દાતાર પોતાની જવાબદારી સ્વીકારી લેશે.

હાર્વર્ડના અધ્યક્ષ લેરી બૈકોવે આ માહિતી આપતાં કહ્યુ કે શ્રી દાતાર એક ઇનોવેટિવ ક્ષિક્ષક હોવાની સાથોસાથ અનુભવી એકેડેમીશિયન છે. બિઝનેસ સ્કૂલના ભાવિ માટે વિચારનારા કેળવણીકારોમાં દાતાર મુખ્ય હતા. કોરોના મહામારી દરમિયાન પણ શ્રી દાતારે સ્કૂલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શ્રી દાતાર હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના 11મા ડીન હશે. હાર્વર્ડના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સતત બીજીવાર કોઇ ભારતીય એના ડીન બન્યા હોય. 1973માં શ્રી દાતારે મુંબઇ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ અમદાવાદની આઇઆઇએમમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.