વડોદરા : દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ધરણાં-દેખાવો યોજાયા હતા. જેના ભાગરૂપે શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી બહાર દેખાવો યોજી ખેડૂતોના વિરોધી કૃષિ સંબંધિત ત્રણ કાયદાને રદ કરવાની માગ કરી હતી તેમજ આ કાયદા અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિતક્રાંતિને ખતમ કરવાનું ષડ્‌યંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો. 

રાષ્ટ્રપતિને સંબોધિત કરેલા જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, મોદી સરકાર દ્વારા પ્રસ્થાપતિ સંસદીય પ્રણાલિનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા કર્યા વગર પસાર કરવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓ તત્કાળ પરત ખેંચી રદ કરવા અનુરોધ કર્યો છે. મોદી સરકારે કાળા કાયદા ઘડીને દેશના અન્નદાતા એવા કિસાન અને ખેતમજૂરોની કાળી મહેનત અને પરિશ્રમને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે રાખીને દેશમાં હરિતક્રાંતિને ખતમ કરવાનું એક ધૃણાસ્પદ ષડ્‌યંત્ર રચ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો. ખેડૂત વિરોધી બિલની સામે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારો, શહેર-જિલ્લાના આગેવાનો અને જિલ્લા કાર્યકરોની ઉપસ્થિતિમાં ધરણાં યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના આ ત્રણ કૃષિ વિધેયકો પર મત વિભાજન માટે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની માગણીને ધરાર ફગાવી દઈને મોદી સરકારે દેશના ૬ર કરોડ કિસાનો અને ખેતમજૂરોની જિંદગી સાથે સંકળાયેલા આ કાળા કાયદા પસાર કરવી લેતાં સમગ્ર દેશના કિસાનો, ખેતમજૂરો, મંડીના દુકાનદારો, મંડીના શ્રમિકો, કર્મચારીઓ, નાના ટ્રાન્સપોર્ટર્સ સહિત કરોડો લોકોનો ઉગ્ર વિરોધવંટોળ ભભૂકી ઊઠયો છે. કલેકટર કચેરી બહાર કોંગ્રેસના કાર્યકરોએ પ્લેકાર્ડ, બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.