આ રાજયમાં પ્રતિ કલાક 1 હજાર કોરોના ગ્રસ્ત, પોઝિટિવિટી રેટ 24.56ટકા થઈ ગયો 
19, એપ્રીલ 2021

દિલ્હી-

રાજધાની દિલ્હીમાં દરરોજ કોરોનાના નવા નવા રેકોર્ડ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના ૨૪,૩૭૫ નવા કેસ સામે આવ્યા હતા. મતલબ કે, દર કલાકે ૧,૦૦૦થી પણ વધારે લોકો સંક્રમિત નોંધાઈ રહ્યા છે. એક દિવસમાં સૌથી વધુ સંક્રમિત નોંધાવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો જે અત્યાર સુધીનો સૌથી ઉંચો મૃતકઆંક છે.

દિલ્હીમાં પોઝિટિવિટી રેટ વધીને ૨૪.૫૬ ટકા થઈ ગયો છે તે પણ ખૂબ જ ચિંતાજનક બાબત છે. મતલબ કે, પ્રત્યેક ૧૦૦ ટેસ્ટમાં ૨૫ લોકો સંક્રમિત આવી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના કારણે દિલ્હીની સ્થિતિ વણસી રહી હોવાનો ભય વ્યક્ત કર્યો હતો. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, 'દિલ્હીમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪,૦૦૦થી વધારે કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં કેસની સંખ્યા ૧૯,૫૦૦થી વધીને ૨૪,૦૦૦ને પાર થઈ ગઈ તેથી સ્થિતિ બહુ ગંભીર અને ચિંતાજનક છે.'

કેજરીવાલ સરકારે હરિદ્વાર કુંભથી દિલ્હી પરત આવનારાઓ માટે ૧૪ દિવસનું ક્વોરેન્ટાઈન ફરજિયાત કરી દીધું છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ પ્રમાણે જાે તમે ૪ એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં કુંભ ગયા હોવ કે પછી ૧૮ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન કુંભ જઈ રહ્યા છો તો તમારી સંપૂર્ણ જાણકારી, નામ, દિલ્હીનું એડ્રેસ, ફોન નંબર, આઈડી પ્રુફ, દિલ્હીથી જવાની તારીખ અને પરત આવવાની તારીખ વગેરે આદેશ જાહેર થયાના ૨૪ કલાકની અંદર દિલ્હી સરકારની સાઈટ પર અપલોડ કરવાનું રહેશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution