ન્યુ દિલ્હી ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાના આદેશ અંગે જાહેરનામા માટે રાજ્ય સરકારને કહ્યું હતું. જે સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં હાઇ કોર્ટનો આદેશ પડકાર્યો છે. આ મામલે ગુજરાત સરકાર માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે કે, હાલ હાઇકોર્ટનાં આ ર્નિણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. હાઇકોર્ટનો ગુજરાત સરકારને નિર્દેશ હતો કે, જેઓ માસ્ક ન પહેરે તેમને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવા કરાવો, આ ર્નિણય પર હાલ સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.  

એટલે માસ્ક ન પહેરનારને કોવિડ સેન્ટરમાં સેવા કરાવવાના ર્નિણય પર વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી સ્ટે લાવી દેવામાં આવ્યો છે. આ મામલે અર્જન્ટચાર્જમાં સુનવણી કરવા રાજ્ય સરકારની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારની અપીલ પ્રમાણે, કોવિડ સેન્ટરમાં કામગીરી સોંપવી એ ગંભીર બાબત છે. કોવિડ ટાસ્કમાં ટ્રેનિંગ વગર સામાન્ય વ્યક્તિને મોકલી ન શકાય. બેદરકાર પ્રજા જાે માસ્ક ન પહેરતી હોય તો ડ્યુટી પર માસ્ક પહેરીને કામ કરાવવું અઘરું છે. ગુજરાત હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે, લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત ૫થી ૬ કલાકની સામાજિક સેવા આપવા માટે જાહેરનામું બહાર પાડે અને તાત્કાલિક અમલ કરાવે.

હાઈકોર્ટે અગાઉ જ સરકારને માસ્ક વગર ફરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. દંડ વસુલવા ઉપરાંત તેમની પાસે કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવા કરાવવા માટે પણ વિકલ્પ અંગે વિચારવા જણાવ્યું હતું. ગુજરાત સરકારે આ હાઈકોર્ટના આ અવલોકન બદલ એવો જવાબ રજૂ કર્યો હતો કે હાલમાં સરકાર કોવિડ સંક્રમણ નિવારવા માટે કામ કરી રહી છે અને તેઓ માસ્ક વગર ફરતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવા કરાવવા માટે અસક્ષમ છે. રાજ્ય સરકારના આવા વલણથી નારાજ ગુજરાત હાઈકોર્ટે બુધવારે સરકારને જાહેરનામું બહાર પાડીને માસ્ક વગર ફરતા લોકોને દંડ સાથે ૫-૬ કલાક કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સેવા કરાવવા આદેશ આપ્યો હતો.

ગુજરાત સરકાર વતી સોલિસીટર જનરલે રજૂઆત કરી હતી. જેમાં તેઓએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, લોકો માસ્ક નથી પહેરતા એ વાત સાચી, પણ હાઈકોર્ટના આદેશને લાગુ કરવો શક્ય નથી. માસ્ક ન પહેરવાથી જે જાેખમ છે તેના કરતાં વધુ જાેખમ કોવિડ કેર સેન્ટરમાં કામ કરવાથી છે. સ્વયં શિસ્ત ન રાખવી એ આપણા કલ્ચરમાં છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ પર સવાલ ઉઠાવ્યા

તો બીજી તરફ, સુપ્રીમ કોર્ટે વધુ એક વાર ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ પર સવાલ ઉઠાવ્યા છે. આકરુ વલણ દાખવતા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નિયમો અને ગાઈડલાઈન છે, પણ તેનું પાલન થાય છે ખરું? એસઓપીનું પાલન કરાવવાની ઈચ્છા શક્તિ સરકારમાં દેખાતી નથી. એટલે જ હાઈકોર્ટે આદેશ કરવો પડ્યો હતો. લગ્ન પ્રસંગ, મેળાવડામાં હજારો લોકો ભેગા થઈ રહ્યા છે, એસઓપીનું પાલન ક્યાં થઈ રહ્યું છે? તમે કહો છો પ્રસંગો યોજવા સરકારની મંજૂરી જરૂરી છે અને સરકાર પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે કોઈ મંજૂરીની જરૂર નથી.