સુરત: 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મની ઘટના આવી સામે, આરોપી પોલીસની ગીરફતમાં
12, નવેમ્બર 2020

સુરત-

શહેરના પુણા વિસ્તારમાં સ્કુલવાન ચાલકે સ્કૂલ વાનમાં અવર જવર કરતી 15 વર્ષીય કિશોરી પર 3 વખત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં સ્કૂલવાન ચાલકે પોતાની પત્ની અને એક અજાણી મહિલા સાથે કિશોરીનું અપરહણ કરી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જો કે, આ સમગ્ર મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પુણા પોલીસે ત્રણેય લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના પુણા વિસ્તારમાં રહેતી અને ધો.10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય તરુણીને સ્કૂલ વેનની વર્દી મારતો જગદીશ મહેશભાઈ અગ્રવાલ વર્ષ 2018થી સ્કૂલે લેવા-મુકવા આવતો હતો. તે દરમિયાન જગદીશે તરુણીને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી ત્રણ વખત જુદી-જુદી જગ્યાએ લઈ જઈ શારિરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગેની જાણ જગદીશની પત્ની રવિનાને થતા તે જગદીશ અને તેની બહેન મમતા સાથે જગદીશની ઇકો કારમાં તરુણીના ઘર પાસે આવ્યા હતા અને તરુણીને નીચે બોલાવી કારમાં અપહરણ કર્યું હતું. રસ્તામાં માર મારી રવિનાએ તરુણીને ધમકી આપી હતી કે, બીજી વાર જગદીશ જોડે મોબાઈલ પર વાત કરી તો તારા ટાંટીયા તોડી તને જાનથી મારી નાખીશ. જે બાદમાં તેઓ તરુણીને લેન્ડમાર્કની પહેલાની ગલી પાસે છોડી ભાગી ગયા હતા. આ અંગે તરુણીએ તેના ભાઈને જાણ કરતા તેણે બુધવારે મોડી રાત્રે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પુણા પોલીસે ત્રણેય લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution