સુરત-

દિવાળીના તહેવાર સમયે જ સુરતમાં છેલ્લા 40 વર્ષથી જ્વેલર્સની દુકાન ધરાવતા પિતા-પુત્રએ બે કરોડથી વધુનું ઉઠમણું કર્યું હોવાથી ગ્રાહકો અને અન્ય જ્વેલર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી પ્રમાણે પિતા-પુત્ર સોનાના વેપારીઓ અને ગ્રાહકો પાસેથી આશરે 2.42 કરોડના સોનાના દાગીના લઈને 15 દિવસ પહેલા ક્યાંક ફરાર થઈ ગયા છે. બંનેએ વેસુ ખાતેનો પોતાનો ફ્લેટ, કાર, બાઇક વગેરે પણ વેચી નાખ્યા છે. આ મામલે કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે. બંને કતારગામ દરવાજા ખાતે કુબેરનગરમાં છેલ્લા 40 વર્ષથી મા શક્તિ જવેલર્સના નામે દુકાન ધરાવતા હતા. દુકાન ખૂબ જૂની હોવાથી વેપારીઓ અને ગ્રાહકો તેમના પર વિશ્વાસ મૂકતા હતા.

પોલીસ ફરિયાદ પ્રમાણે રાજેશભાઈ મહેન્દ્રકુમાર ધોકા નામના સોનાના વેપારી કતારગામ દરવાજા કુબેરનગર વિભાગ 1 પ્લોટ નં.83 ખાતે મા શક્તિ જવેલર્સના નામે દુકાન ધરાવતા પિતા-પુત્ર દિલીપભાઈ જ્યંતિલાલ સોની સાથે વેપાર કરતા હતા. બંને તેમની પાસેથી સોનાના દાગીના લઈ જતા હતા, અને પેમેન્ટ કરી દેતા હતા. આ દરમિયાન બંનેએ દિવાળીના સમયે વધારે માલ હોય તો આપવાનું રાજેશભાઈને કહ્યું હતું. વેપારી ક્યાંક ભાગી ગયાનું જાણ્યા બાદ સોનાના અન્ય વેપારીઓ અને ગ્રાહકો પણ દોડતા થયા હતા. એવી આશંકા છે કે પિતા-પુત્ર તમામ વસ્તુઓ વેચીને વિદેશ ભાગી ગયા હોઈ શકે છે. પિતા-પુત્રએ આયોજન પૂર્વક તમામ વેપારીઓ પાસેથી ઘરેણા મંગાવીને ચૂનો લગાડ્યો છે. આ ઉપરાંત અનેક ગ્રાહકો પણ તેમનો ભોગ બન્યા છે.