સુરત-

બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટમાં આવી ATM ને નિશાન બનાવતા પાંચ લોકોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ તમામ આરોપી રૂપિયા ઉપાડવા આવતા લોકોના ATM ક્લોન કરી દિલ્હીના ફિરોજપુર જઈ રૂપિયા ઉપાડી લેતા હતા. આ તમામ લોકો સુરત શહેર સાથે મુંબઈ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાં આ રીતે ગુના આચર્યા છે. બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવી માત્ર એક્સિસ બેન્કના એટીએમને ટાર્ગેટ બનાવતા હતા.

મળતી માહિતી મુજબ આ તમામ આરોપીઓ એટીએમનું હુડ ડુપ્લિકેટ ચાવીથી ખોલી તેની અંદર કાર્ડ રીડરની સાથે પોતાની પાસે રહેલા સ્કિમર મશીન લગાવી દેતા હતા. ત્યારબાદ ATMમાં રૂપિયા ઉપાડવા આવનાર વ્યક્તિના કાર્ડનો ડેટા ચોરી તે વ્યક્તિ જે પીન એન્ટર કરે તે પીન બાજુમાં ઉભા રહી પોતાના મોબાઈલમાં નોંધી લેતા હતા. આ ચાલક ટોળકી એટીએમમાંથી મેળવેલો તમામ ડેટા લેપટોપ પર ચડાવી મિનિટુલ્સ સોફ્ટવેર મારફતે રાઈટર મશીનનો ઉપયોગ કરી ડુપ્લિકેટ એટીએમ બનાવતા હતા. ત્યારબાદ ગુજરાત બહાર જઈ દિલ્હી, બિહારના શહેરમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા.હાલ જ સુરત પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ હતી કે, સચિન GIDC વિસ્તારમાં આવેલા એટીએમમાંથી બે દિવસ પહેલા યુવકોના રૂપિયા ઉપડી ગયા છે. આ ટોળકી સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ એક્સિસ બેંકના એટીએમને ટાર્ગેટ બનાવતા હતા. ડિંડોલી, ઉધના, લિંબાયત, સચિન જીઆઈડીસી, પાંડેસરા, પુણા વિસ્તાર શામેલ છે.