સુરત-

અમરોલી-ગણેશપુરાના પાનના ગલ્લાના માલિકને ૫૦ પૈસાના ટકા પર વ્યાજે રૂપિયા અપાવવાની લાલચ આપી સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવવાના અને સોનાના દાગીના મળી કુલ રૂા. ૮.૪૨ લાખની મત્તા પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે. અમરોલી-ગણેશપુરા પાણીની ટાંકી નજીક રિધમ રેસીડન્સીમાં હર ભોલે પાન સેન્ટર નામે ગલ્લો ચલાવતા હરેશ નરસીભાઇ જાદવ (ઉ.વ. ૫૫ ) ના ગલ્લા પર પાંચેક મહિના અગાઉ દિવ્યાંગ પટેલ આવ્યો હતો.

દિવ્યાંગે તમારે રૂપિયાની જરૂર હોય તો હું તમને ૫૦ પૈસા વ્યાજે તમને રૂપિયા અપાવીશ તેવી લાલચ આપી સ્ટેમ્પ પેપરના લખાણ માટે રોકડા રૂા. ૩૦ હજાર અને ચેકથી રૂા. ૪૩,૯૮૭ આપવા પડશે એમ કહ્યું હતું. જેથી ૫૦ પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં હરેશે તુરંત જ રોકડા રૂા. ૩૦ હજાર અને ચેક આપ્યો હતો.

ઉપરાંત પરિણીત પુત્રી નિકીતા સાગર વાનાણીના તથા બીજી બે પુત્રી ભુમિકા અને ક્રિષ્ણાની સગાઇ વખતે સાસરેથી આપવામાં આવેલા દાગીના, પત્ની ગીતાના તથા ભત્રીજી સોનલ રસીક કાકડીયા અને મિત્ર રમેશ શેટા પાસેથી કુલ રૂા. ૭.૬૮ લાખના દાગીના લઇ દિવ્યાંગને આપ્યા હતા પરંતુ કોરોના મહામારીના કારણે હાલમાં રૂપિયા આપી શકાશે નહીં એમ કહી દિવ્યાંગે વાયદા કરવાનું શરૂ કર્યુ હતું અને આજ દિન સુધી દાગીના કે રોકડ પરત નહીં આપતા ફરીયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.