સુરત-

સુરત મ્યુનિ.ના મનપા કમિશ્નર રસી આવે તે પહેલાં તેના માટે ખાસ મેનેજમેન્ટ કરી રહ્યા છે. જેમાં તે કોરોનાની રસી આવે ત્યાર બાદ રસી કોને આપવી? કોણ આપશે? રસીની જાળળણી કેવી રીતે થશે? અને રસીના સ્થળો નક્કી કરવા માટેની બ્લુ પ્રિન્ટ વગેરે તૈયાર કરી રહ્યા છે. કોરોના સામે લડી રહેલાં હેલ્થ કેર વર્કરને સૌથી પહેલાં રસી અપાશે. જેમાં સુરત નવી સિવિલ, મ્યુનિ.ની સ્મીમેર હોસ્પિટલ, મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફ ઉપરાંત ઘરે ઘરે જઇ સર્વે કામગીરી કરતા વર્કરો તેમજ શિક્ષણ સમિતિના શિક્ષકો, આંગણવાડીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. હેલ્થ કેર વર્કરમાં ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ વર્કર અને ચોથા વર્ગના કર્મચારીઓને પહેલાં આવરી લેવાશે. જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની રસી આવી જાય તેવી શક્યતાને પગલે આ રસી સુરતમાં સૌથી પહેલા કોને આપવી તે અંગે સુરત મ્યુનિ.એ યાદી તૈયાર કરી છે. પહેલા તબક્કામાં 28500 હેલ્થ વર્કરોને રસી અપાશે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કરોને અપાશે. રસીકરણની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે કોર્પોરેશન ટાસ્ક ફોર ઇમ્યુનાઇઝેશન (સીટીએફઆઇ)ની રચના પણ કરાઇ છે.