સુરત-

કૉપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન કરીને વિદેશની જાણીતી બ્રાન્ડોના ડુપ્લિકેટ ફૂટવેરનું વેચાણ કરનારા વેપારીઓના ઠેકાણાં પર સીઆઇડીની ટીમે દરોડા પાડીને ૭૧.૭૩ લાખનો માલ જપ્ત કર્યો છે. આ સાથે જ બે વેપારીઓની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે, સીઆઇડીની ટીમને બાતમી મળી હતી કે વેડરોડ ફટાકડાવાડી વિસ્તારમાં બે ગોડાઉનોમાંથી ફૂટવેર પ્રોડક્ટ્‌સ વેચતા વેપારીઓને જાણીતી વિવિધ વિદેશી બ્રાન્ડોના ડુપ્લિકેટ બૂટ-ચપ્પલ સપ્લાય થાય છે.

આ બાતમીના આધારે ટીમે નવશક્તિ ફેશન નામની દુકાન પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી અલગ-અલગ બ્રાન્ડના બુટ-ચપ્પલ સહિત ૪૯,૭૭,૫૪૦ રૂપિયાનો સામાન જપ્ત કર્યો હતો. જેમાં દુકાનના માલિક રઈસ મોતીવાલા (રહે. ગાર્ડન સોસાયટી, અડાજણ પાટિયા)ની ધરપકડ કરી હતી.

આજ રીતે નજીકમાં આવેલ સાહિલ શેખની દુકાન પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પણ ડુપ્લિકેટ ફૂટવેર સહિત ૨૧,૨૫,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વેપારીની ધરપકડ કરી હતી. હાલ બન્નેની પૂછપરછ કરવામાં આવી રહી છે.