સુરત-

સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ રેફરલ હોસ્પિટલની સામે રોડ ઉપરથી પસાર થઈ રહેલ ચાલકે પોતાની મો.સા રોડની બાજુમાં ઉભેલ ટ્રકની પાછળના ભાગે અથડાવી દીધી હતી. સર્જાયેલ અકસ્માતમાં મો.સા ઉપર સવાર બંને યુવાનોના મોત નિપજ્યાં હતા. આ બંને યુવાનો માંડવી નવા પુલની સાઈડ ઉપર કામ કરવા માટે આવ્યા હતા અને ત્યાંથી પરત ફરતી વેળાએ અકસ્માત નડતાં બંનેના મોત નિપજ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુ.પીના સુલતાનપૂર વિસ્તારમાં રહેતા વિનયભાઇ બદ્રી મિશ્રા કે જે માંડવી તાલુકાનાં તરસાડા ગામે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં સુપર વાઇઝર તરીકે કામ કરે છે. અને તરસાડા ગામે આવેલ મહાકાલપૂરી આશ્રમમાં રહે છે. ગતરોજ તે કંપનીની મો.સા નંબર જીજે-05-ડીઆર-8764 લઈ કંપનીમાં કામ કરતાં હરીશકુમાર રામફકીર યાદવ (મૂળ રહે, સરાયબીકા ગામ, યુ.પી, હાલ રહે, તરસાડા ગામ, મહાકાલપૂરી આશ્રમ) સાથે માંડવી ખાતે નવાપુલની સાઈડ ઉપર કામે ગયા હતા. અને જ્યાં આખો દિવસ કામ કર્યા બાદ સાંજના સમયે બાઇક લઈ પરત ફરી રહ્યા હતા. તે સમયે માંડવી ઝંખવાવ રોડ ઉપર રેફરલ હોસ્પિટલ નજીકથી પસાર થતી વેળાએ ચાલક વિનય મિશ્રાએ બાઇક પૂરઝડપે હંકારી આવી રોડની સાઈડમાં ઊભેલી ટ્રક નંબર જીજે-16-ટી-8120ની પાછળના ભાગે અથડાવી દીધી હતી. સર્જાયેલ અકસ્માતમાં વિનય મિશ્રા અને હરીશ યાદવને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજયું હતું. બનાવ અંગે માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.