પૂણે-

પુણેના સસૂન જનરલ હોસ્પિટલે દાવો કર્યો છે કે ગર્ભમાં ઉછરી રહેલા શિશુ સુધી કોરોના વાઈરસ પહોંચી શકે છે. પુણેની બીજે મેડિકલ કોલેજ હેઠળ આવતી સસૂન હોસ્પિટલમાં દાખલ એક ગર્ભવતી મહિલાને ડિલિવરીના એક મહિના અગાઉ તાવ આવ્યો હતો. ડિલિવરી બાદ બાળકી કોરોના પોઝિટિવ આવી હતી. મેડિકલ ટર્મમાં તેને વર્ટિકલ ટ્રાન્સમિશન કહે છે. ઈલાજ બાદ માતા-દિકરી બન્ને તંદુરસ્ત છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ કેસ કેટલાક સપ્તાહ અગાઉનો છે.

હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે બાળકીને પ્લેસેન્ટા મારફતે સંક્રમણ થયું તે વર્ટિકલ ટ્રાન્સમિશનનો દેશમાં પ્રથમ કેસ છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શિશુ ગર્ભાશયમાં હોય છે અને તે સમય દરમિયાન તે સંક્રમિત થઈ જાય છે તો તેને વર્ટિકલ ટ્રાન્સમિશન કહે છે. જાે માતા સંક્રમિત હોય તો વાઈરસનો ફેલાવો ગર્ભનાળથી પ્લેસેન્ટા સુધી પહોંચી જાય છે. પ્લેસેન્ટા ગર્ભાવસ્થા સમયે ગર્ભાશયમાં વિકસિત થાય છે.

આ હોસ્પિટલના પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટના વડા ડો.આરતી કિણિકરના મતે કોઈ વ્યક્તિને સંક્રમણ થાય છે તો તે મુખ્યત્વે ફોમાઈટ્‌સ સાથે સંપર્કમાં હોવાને લીધે થાય છે. જાે માતા સંક્રમિત છે તો ફન્ડિંગ કે કોઈ અન્ય સંપર્કને લીધે શિશુ જન્મ બાદ સંક્રમિત થઈ શકે છે. ફોમાઈટ્‌સ તેને કહે છે કે જેના મારફતે ઈન્ફેક્શન થવાની દહેશત હોય છે.