વડોદરા

કોવિડની રસી આવે કે તરત જ રસીકરણ શરૂ કરી શકાય તેવા આશય સાથે ડેટાબેઝ તૈયાર કરવા આરોગ્ય વિભાગે સર્વે શરૂ કર્યો છે. સર્વેમાં આરોગ્ય વિભાગ ઉપરાંત શિક્ષણ, મહેસૂલ અને બાળવિકાસ સહિતના ગ્રામ્યસ્તરના કર્મચારીઓના સહયોગ સાથેે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મતદાન માટેના બૂથ પ્રમાણે પ્રત્યેક બૂથ માટે એક સર્વે ટીમ બનાવવામાં આવી છે જે બૂથ હેઠળના તમામ મતદારોની ઘર-ઘર મુલાકાત લઈને જરૂરી માહિતીની નોંધ કરી રહી છે એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવટે જણાવ્યું કે તાલુકાકક્ષાએ મામલતદાર અને પ્રાંત અધિકારીઓ દ્વારા આ કામગીરીનું સંકલન કલેકટરની સૂચના પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. પ્રત્યેક બે કર્મચારીની બનેલી એક એવી ૧૩૧૦ ટીમો તા.૧૩મી સુધી જાણકારી એકત્ર કરશે.

આ સર્વે હેઠળ જેમની ઉંમર તા.૧-૧-૨૦૨૧ના રોજ ૫૦ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ લોકો અને જેમની ઉંમર ૫૦થી ઓછી હોય પરંતુ ડાયાબિટીસ, બીપી, કેન્સર, કિડની, હૃદયની બીમારીથી પીડિત હોય તેમના નામ-સરનામા, ઉંમર, હયાત બીમારીઓ, ઓળખનો પુરાવા જેવી વિગતોનો ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યમાં વાસ્તવિક રસીકરણનું સચોટ આયોજન કરવામાં ખૂબ ઉપયોગી બની રહેશે. આ ડેટાબેઝ સરકારને મોકલવામાં આવશે.