વડોદરા

સયાજી હોસ્પિટલ ઉપરાંત આસપાસના લગભગ ૮ જેટલા જિલ્લાના કોરોના રોગીઓની સારવાર કરીને ખૂબ ઉમદા યોગદાન આપ્યું છે. તેની સાથે કોવિડ પીડિતોની ઉચિત સારવારનું અને ભારત સરકારની આરોગ્ય સંસ્થાઓ દ્વારા નિર્ધારિત ગાઈડલાઈન અને તેમાં ફેરફારોનું મધ્ય ગુજરાતના સાત ઝોનના તબીબો અને આરોગ્ય કર્મચારીઓના સમજણ કેળવવાનું અગત્યનું કામ મેડિસિનના પ્રો. ડો. રૂપલ દોશી અને સહયોગી પ્રો. ડો.હિમાંશુ રાણા દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે, જે સારવારને વધુ અસરકારક બનાવવામાં અને દૂરના જિલ્લાઓમાં સારવાર હેઠળના દર્દીઓની જીવનરક્ષા કરવામાં ખૂબ ઉપયોગી પુરવાર થયું છે.

ટેલિ મેન્ટરીંગ અને ટેલિ કન્સલ્ટેશન જેને ગુજરાતીમાં કદાચ અપ્રત્યક્ષ માર્ગદર્શન કે અપ્રત્યક્ષ સારવાર સલાહ કહી શકાય તેવી આ પદ્ધતિઓનો વિનિયોગ યુદ્ધના મોરચે જ્યારે સૈનિકો ઘવાયા હોય અને બેઝ હોસ્પિટલ દૂર હોય ત્યારે તેમની સારવાર માટે ટેલિ કન્સલ્ટેશનનો ઉપયોગ થતો હતો. કોરોના સામેની લડાઈ કોઈ યુદ્ધથી કમ નથી એટલે આરોગ્ય વિભાગે આ પદ્ધતિઓનો ઉપયોગ હાલની ડિજિટલ અને ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરીને કર્યો છે અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના બનેલા ૭ ઝોનમાં સયાજી હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ આ સેવાઓ લગભગ કોરોના કટોકટીની શરૂઆતથી અને જુલાઇ મહિનાથી ખૂબ સઘન રીતે પૂરી પાડી રહી છે. આ કામગીરી હેઠળ ઓનલાઇન ઉપરાંત ઝોનમાં સમાવાયેલા તમામ જિલ્લાઓના કેન્દ્રોમાં જઈને મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને કોરોનાની સારવાર અને તકેદારીની તાલીમ આપવાની સાથે સંબંધિત વિસ્તારની કોરોના વિષયક અગત્યની માહિતી એકત્ર કરીને આરોગ્ય વિભાગને પૂરી પાડવાની ખૂબ અગત્યની કામગીરી કરવામાં આવી છે.

વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમે જણાવ્યું હતું કે, શહેરમાં કોવિડ સારવારની સુવિધાઓનો વ્યાપ વધારવા જ્યારે ખાનગી દવાખાનાને માન્યતા આપવાની વાત આવી ત્યારે ઉપર જણાવેલા તબીબોના વડપણ હેઠળની ટીમે હોસ્પિટલમાં સારવાર સુવિધાઓના સઘન અવલોકન અને અભ્યાસને આધારે ઉચિત સારવારના અને સમુચિત શિક્ષણ અને તાલીમના કામની સાથે કોરોના સારવાર સુવિધાના વિસ્તરણમાં ખૂબ ચાવીરૂપ યોગદાન આપવામાં આવ્યું છે.

સયાજી હોસ્પિટલના ડો.રૂપલ અને ડો. હિમાંશુના વડપણ હેઠળ વિશ્વ આરોગ્ય સંસ્થા ભારત સરકાર અને આઇસીએમઆરની નવી અને સંશોધનો પ્રમાણે સતત બદલાતી કોરોના ગાઈડલાઈનથી સાત ઝોનના આરોગ્ય સમુદાયને સતત વાકેફ રાખવાની અને તેની સમજણ કેળવવાની કામગીરી કરવામાં આવી છે અને હજુ કરવામાં આવી રહી છે. આ ટીમ દૂર દૂરના ગામોમાં આવેલા નાના સેન્ટરના ગામોની મુલાકાત લેતી અને જ્ઞાનની વહેંચણી કરતી અને તેની સાથે સમગ્ર ઝોનના દરેક સેન્ટરમાં નિર્ધારિત ગાઈડલાઈન અનુસરીને જ સારવાર કરવામાં આવે છે કે નહિ તેની મોનિટરીંગ પણ કરતી.