સુરત-

સુરતમાં રહેતી અને મોડલ બનવા માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અવનવા વીડિયો બનાવતી કાપોદ્રાની ૧૭ વર્ષીય સગીરા પિતાના ઠપકાથી સરથાણા રહેતી ૧૮ વર્ષીય બહેનપણી સાથે ઘર છોડી ભાગી ગઇ હતી. ઇન્સ્ટાગ્રામની દિવાની આ બંને બહેનપણીઓને પોલીસે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ફોલોઅર્સની મદદથી જ કચ્છથી શોધી કાઢી હતી. જે બાદમાં બંનેને હેમખેમ પરત તેના ઘરે પહોંચાડી હતી.

હાલ સોશિયલ મીડિયામાં અવનવા વીડિયો બનાવવાનું યુવાનોને ઘેલું લાગ્યું છે. આવા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા મોડલ બનવા માંગતી હોવાથી તેની બેહનપણી સાથેના વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતી હતી. ૧૨ ધોરણ સુધી ભણેલી આ સગીરા સ્ટેટસમાં પણ મોડેલ તરીકે જ પોતાને દર્શાવતી હતી. કિશોરીના પિતાને કોઈ સ્વજને આ અંગે જાણ કરતા પિતાએ દીકરીને ઠપકો આપ્યો હતો.પિતાના ઠપકા બાદ કિશોરી પોતાનું ઘરે છોડીને ભાગી ગઈ હતી. કિશોરીની સાથે સરથાણાની એક ૧૮ વર્ષીયની યુવતી પણ ભાગી હતી. બંને સરખો જ શોખ ધરાવતી હતી. આ મામલે કાપોદ્રા પોલીસ મથકે પિતાએ ફરિયાદ નોંધાવતાં સબ ઇન્સ્પેક્ટર હેતલબેન કડછાએ તપાસ હાથ ધરી હતી. મામલો સંવેદનશીલ હોવાથી મહિલા પોલીસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો જ સહારો લીધો હતો. પોલીસને વિશ્વાસ હતો કે આ યુવતી તેને ફોલો કરતા અમુક લોકોને જરૂર સંપર્ક કરશે. આથી પોલીસ અમુક એવા નામ અલગ તારવ્યા હતા, જેમને કિશોરી સંપર્ક કરી શકે. આખરે પોલીસની ધારણા સાચી પડી હતી.આ બંને યુવતીઓએ પોતે કચ્છમાં હોવાનું અને રૂપિયા ન હોવાથી મદદ માટે એક ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો સંપર્ક કર્યો હતો. આ યુવકે પોલીસને સંપર્ક કરતા પોલીસ બંનેને સમજાવીને પરત લાવી હતી. જે બાદમાં બંનેને તેના પરિવારને સોંપી દીધી હતી.