અમદાવાદ-

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. 8 ધારાસભ્યના રાજીનામાના કારણે પેટાચૂંટણીનું નિર્માણ થયું હતું અને 3 નવેમ્બરના રોજ ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. તી. 10 નવેમ્બરના રોજ તમામ બેઠકો પર યોજાયેલી ચૂંટણીની મતગણતરી યોજાઇ છે. આ તમામ બેઠકો પર ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસે 8માંથી 4 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો પરંતુ મત ગણતરી પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, ભાજપ કોંગ્રેસના ફાળે પેટાચૂંટણીમાં એક પણ બેઠક નહીં આવવા દે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને પેટાચૂંટણીની મતગણતરીના પરિણામને 2022ની ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યુ હતું.

એક તરફ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ અને આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પણ કાર્યકર્તા કોંગ્રેસનો દેખાઈ રહ્યો નથી. સામાન્ય દિવસોમાં કોંગ્રેસ કાર્યાલય પર એકલ દોકલ કાર્યકર્તાઓની અવર જવર રહે છે પરંતુ આજે કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના કાર્યકર્તાઓની અવર જવર પણ જોવા મળી રહી નથી. કોંગ્રેસે પેટાચૂંટણીમાં પ્રચાર દરમિયાન જે ઉમેદવારોને ગદ્દાર કહ્યા હતા તે ઉમેદવારોની પસંદગી લોકોએ ફરીથી કરી હોય તેવું લાગી રહ્યું છે.